નવી દિલ્હી

ભારતીય બેંકોને કોરોડોનો ચૂનો લગાવીને ભાગી જનાર નીરવ મોદીનો સારો સમય હવે ખતમ થઈ ગયો છે. જ્યાં શુક્રવારે યુનાઈટેડ કિંગડમના ગૃહમંત્રીએ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. જો કે, નીરવ મોદીના વકીલ સતત આનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ સીબીઆઈએ સમય પર બધા સાક્ષીઓને પ્રસ્તુત કર્યા જેના કારણે તેમની મહેનત હવે સફળ થઈ ગઈ છે. મંજૂરી મળ્યા બાદ તરત જ સીબીઆઈએ ભારતીય મીડિયા સાથે આ માહિતી શેર કરી.

વાસ્તવમાં લંડનની અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ નીરવને ભારત મોકલવાની માંગ રાખી. આ દરમિયાન તેના વકીલે કહ્યુ કે ભારતીય જેલોની હાલત બરાબર નથી જેના કારણે ત્યાં તેને યોગ્ય સુવિધાઓ નહિ મળી શકે પરંતુ અદાલતે બધી દલીલોને ફગાવી દીધી. સાથે જ આશા વ્યક્ત કરી કે ભારતની જેલમાં પણ તેનુ ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદ યુકેના ગૃહમંત્રી પ્રીતિ પટેલે પણ નીરવને ભારત મોકલવાના નિર્ણયને મંજૂરી આપી દીધી.

મીડિયા રિપોર્ટસ મુજબ નીરવને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનો પ્લાન છે. ત્યાં તેના માટે એક વિશેષ સેલ બનાવવામાં આવ્યો છે. તેને બેરેક નંબર 12માં હાજર ત્રણ સેલોમાંથી એકમાં રાખવામાં આવશે. તેને સૌથી હાઈ સિક્યોરિટી બેરેક માનવામાં આવે છે. વળી, નીરવને ભારત લાવવા માટે સીબીઆઈ સાથે ઈડીએ પણ ઘણી મહેનત કરી હતી. ભારત આવ્યા બાદ બંને એજન્સીઓ તેની પૂછપરછ કરીને કૌભાંડમાં શામેલ અન્ય લોકોની ધરપકડ કરી શકે છે.

નીરવના ભાઈ નેહલ મોદી પર ગયા મહિને ન્યૂયોર્કમાં છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. રિપોર્ટસ મુજબ નેહલે દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓમાંની એક સાથે મલ્ટીલેયર્ડ સ્કીમ દ્વારા 2.6 મિલિયન ડૉલર(19 કરોડ રૂપિયાથી વધુ)ની છેતરપિંડી કરી છે.