દે.બારીયા

છેલ્લા ૧૭ વર્ષથી દેશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે ભારતીય સેનામાં ફરજ બજાવતા અને આવતી ૩૧ મી ઓકટોબર મહિના ૨૦૨૧ પછી ફરજ મુક્ત થઈ નોકરી પરથી પોતાના માદરે વતનમાં પરત ફરવાના હતા. એવા દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા ગામના પનોતા પુત્ર પ્રદિપસિંહ બારીયા પંજાબ મુકામે ચાલુ નોકરીએ અચાનક બીમાર થતાં ચંદીગઢની કમાંન્ડ આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ નિધન થતાં આજરોજ તેઓના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના માદરે વતન ભૂત પગલા લઈ જતા પહેલા આર્મીના વાહનમાં દેવગઢબારિયા ખાતે લાવવામાં આવતાં તેઓના અંતિમ દર્શન માટે તેમજ વીરને શ્રદ્ધાંજલિ આપવા દેવગઢબારિયા નગરમાં આજે માનવ કિડીયારૂ ઉભરાયું હતું અને દેવગઢબારીયા થી તેમના પાર્થિવ દેહને આર્મીની ગાડીમાં તેમના માદરે વતન ભૂતપગલા ગામએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેઓના ક્રિયાકર્મ માટે સેનાના જવાનોએ રૂપિયા ૧૫,૦૦૦/- શહીદ પ્રદીપભાઈ બારીયાના પરિવારજનોને આપ્યા હતા. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના ગામના વીર (શહિદ) જવાનને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ પ્રદીપભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં લીધા પછી ધોરણ ૮ થી ૧૦ નો અભ્યાસ તેઓએ દુધિયા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં કર્યો હતો. જ્યારે અગિયારમું ધોરણ તેઓ દેવગઢબારિયાની મોદી સ્કૂલમાં ભણ્યા હતા. ત્યારબાદ ૨૫/૯/૨૦૦૦ ની સાલમાં તેઓ આર્મીમાં ભરતી થયા હતા અને નાસિક ખાતે આર્મીની ટ્રેનિંગ લીધી હતી. તે પછી તેઓએ આર્મીમાં દેશમાં વિવિધ જગ્યાએ તેમજ સરહદે સેવા બજાવી હતી. તેઓના લગ્ન પ્રભાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સંતાનમાં તેઓને બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં તુષાર પ્રદીપસિંહ ઉ. વ. ૧૩, વનરાજસિંહ પ્રદીપસિંહ ઉ.વ.૧૨ તથા પુત્રી જ્યોતિબેન પ્રદીપસિંહ ઉ. વ. ૧૮ નો સમાવેશ થાય છે. પ્રદિપસિંહ બારીયા આગામી ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા. જેથી તેમના પરિવારજનો તેમના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તે દરમિયાન અચાનક તબિયત બગડતા ચંદીગઢ આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રદિપસિંહ બારીયાએ ગતરોજ સારવાર દરમિયાન આર્મીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાની ખબર આવતા જ તેમના પરિવારજનોના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા અને પરિવારજનોમાં આવવાની ખુશી જગ્યાએ મોતનો માતમ છવાયો હતો અને તેમના અંતિમ દર્શન માટે પરિવારજનોની આખો તરતી રહી હતી.

 પ્રદિપસિંહનો પાર્થિવ દેહ અંતિમ ક્રિયા માટે તેમના માદરે વતન ભૂતપગલા ગામએ ગાર્ડ ઓફ ઓનર સાથે કરાતા તેઓનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. તેમના ક્રિયાકર્મ માટે આર્મીના જવાનોએ પ્રદિપસિંહ બારીયાના પરિવારજનોને રૂપિયા ૧૫,૦૦૦/- ની રોકડ આપી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લના માજી સૈનિક સંગઠન દાહોદ સહિત દેવગઢબારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.