13, જુલાઈ 2025
1881 |
અમદાવાદ, યુવતીઓ અને બાળકીઓ દ્વારા કરવામાં આવતા જયા પાર્વતીના વ્રતના છેલ્લા દિવસે(૧૨ જુલાઈ) જાગરણ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ અમદાવાદના કાંકરિયામાં ઉમટી પડ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મેયર પ્રતિભા જૈન અને રિક્રિએશનલ કમિટીના ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમાર યુવતીઓ અને મહિલાઓ સાથે ગરબા રમ્યા હતા. વ્રતના જાગરણના દિવસે ૨૦,૦૦૦થી વધુ લોકો આવ્યાં હતા. મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી મહિલાઓ અને બાળકીઓએ ડીજેના તાલે ગરબાની મોજ માણી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રતના જાગરણના દિવસે કાંકરિયા પરિસર મોડી રાત સુધી ખુલ્લું રાખવામાં આવે છે. ૧૨ જુલાઈ જયાપાર્વતી વ્રતનું જાગરણ હોવાથી કાંકરિયા પરિસરમાં મહિલાઓ અને બાળકીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોર્પોરેશન દ્વારા કાંકરિયાના ગેટ નંબર ૧ પુષ્પકુંજ અને ગેટ નંબર ૩ વિદ્યાલય પાસે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને યુવતીઓએ ગરબાની મોજ માણી હતી. મેયર પ્રતિભા જૈન, રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમાર અને શહેર ભાજપના મહિલા પ્રમુખ પણ મહિલાઓ સાથે ગરબા રમ્યા હતા.રાત્રે ૮ વાગ્યાથી કાંકરિયા કિડ્સ સિટી, બાલવાટિકા, એમ્યુઝમેન્ટ પાર્ક, નગીના વાડી, ટોય ટ્રેન રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યાં હતાં. કાર્યક્રમના આયોજન અંગે મુલાકાતીઓને માહિતી મળી રહે એ હેતુથી કાંકરિયા પરિસરના તમામ પ્રવેશદ્વાર પર માહિતી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં. લેકફ્રન્ટ ખાતે બાલિકાઓ, મહિલાઓ અને તેમની સાથે આવનારાં બાળકોની સુરક્ષા માટે રાબેતા મુજબના સિક્યોરિટી ગાર્ડની સાથે ૩૦ મહિલા સિક્યોરિટી ગાર્ડ અને મહિલા પોલીસ સહિત સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, આથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી.