વડોદરા 

કોરોનાના કારણે રાજ્ય સરકારે શુક્રવારે જ ધાર્મિક તહેવારોની ઉજવણી તેમજ શેરી ગરબા સહિત અન્ય કોઈપણ ગરબા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે શહેરના જ્યુબિલીબાગ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ ક્લાસ દરમિયાન મહિલાઓ ચણિયાચોળીમાં સજ્જ થઈને ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.

કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની આ વરસે શેરી ગરબા સહિત કોઈપણ ગરબાના આયોજન સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાે કે, શહેરની મધ્યમાં જ્યુબિલીબાગ ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ચાલતા યોગ ક્લાસમાં આજે સવારે યોગ સાધકોએ યોગની સાથે ગરબા અને ટીમલીની મજા માણી હતી. ચણિયાચોળીમાં સજ્જ થઈને મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની મજા માણી હતી.

જ્યુબિલીબાગ ખાતે સ્ટેટ યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ ક્લાસ ચલાવે છે. જેમાં સવારે અને સાંજની બેચમાં પ૦ થી ૬૦ જેટલા યોગ સાધકો યોગ કરે છે. પરંતુ યોગ સાથે ગરબાનો સમન્વય સાધી પ્રાચીન સંસ્કૃતિ યોગ અને ગરબાને જાેડવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ગરબા પણ તણાવ દૂર કરે છે જેથી યોગ સાધકો યોગની સાથે ગરબાની મજા માણી શકે તે માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં યોગ ટીચર જિજ્ઞા ગાંધીએ ખાસ યોગા ગરબાનું આયોજન કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા.