વડોદરા, તા. ૨૯

શહેરમાં રહેતી વિદ્યાર્થિનીને ત્રણ વર્ષ અગાઉ ઉચ્ચઅભ્યાસ માટે કેનેડાની કોલેજમાં એડમિશન અપાવવાના બહાને ૩ લાખ રૂપિયા લઈને ફરાર થયેલા ગઠિયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઋષભદેવ ખાતેની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક યુવતીને ગત ૨૦૧૯માં ઉચ્ચઅભ્યાસ માટે વિદેશ જવાનું હોઈ તેણે વિઝાનું કામ કરતા મુબારક ઉર્ફ મુકેશ પટેલ બિસ્મિલ્લાહ દિવાન(સરસ્વતી પાર્ક,આમરોલીરોડ, અંકલેશ્વર)નો સંપર્ક કર્યો હતો. મુબારકે તેનું અસલ નામ અને ઓળખ છુપાવીને વિદ્યાર્થિનીને કેનેડાની જાણીતી કોલેજમાં એડમિશન અને વિઝાની કામગીરી કરી આપવાની ખાત્રી આપી હતી અને તેની પાસેથી અન્ય આરોપી મારફત સમયાંતરે કુલ ૩ લાખ રૂપિયા લીધા હતા. જાેકે ત્યારબાદ મુબારક અને તેના સાગરીતોએ એડમિશનની કોઈ કાર્યવાહી કરી નહોંતી અને મુબારક નાણાં લઈને ફરાર થયો હતો જે બનાવની વિદ્યાર્થિનીએ કારેલીબાગ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. અત્રેથી ફરાર થયેલો મુબારક છેલ્લા બે વર્ષથી રાજસ્થાનના ઋષભદેવ ખાતે બીટ્ટુ દા ધાબા ખાતે રહેતો હોવાની અત્રેના ક્રાઈમ બ્રાન્ચની પેરોલ-ફર્લો સ્કવોડને માહિતી મળતા પોલીસની એક ટીમે ઉક્ત ધાબા પર દરોડો પાડી ફરાર આરોપી ૫૨ વર્ષીય મુબારકની ધરપકડ કરી તેને અત્રે લઈ આવી હતી.