વડોદરા, તા.૪ 

ગુજરાચ વિદ્યુત બોર્ડ અને હાલના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ તેમજ તેની સંલગ્ન કંપનીઓમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને મા કાર્ડ કઢાવવા માટે ઉદ્‌ભવતા પ્રશ્નોના નિરાકરણ લાવવાની માગ સાથે જીઈબી રિટાયર્ડ એમ્પલોઈઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, નિવૃત્ત થયેલા કર્મચારીઓને માસિક માત્ર રૂા.૫૦૦થી ૩૦૦૦ સુધી પેન્શન મળે છે. પરંતુ મોંઘવારીમાં પૈસાના અભાવે ઘણી વખત નિવૃત્ત કર્મચારીઓ સારવાર પણ લઈ શકતા નથી અને ઘણા કર્મચારીઓના આ કારણથી મૃત્યુ પણ થયા છે. આમ ૩૦-૪૦ વર્ષની નોકરી કર્યા બાદ લાચાર અને અસહાય બની ગયા છે. કેન્દ્ર સરકારની ‘મા કાર્ડ’ યોજનાના કાર્ડ માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્ર તલાટી પાસેથી લેવું પડે છે. કર્મચારીઓને ન્યૂનત્તમ પેન્શન બેંક દ્વારા મળે છે અને તે સંદર્ભે નિયમ મુજબ વીજ કંપનીઓમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ નિયમિત આઈટી રીર્ટન ફાઈલ કરે છે.આ રિટર્નમાં વાર્ષિક આવક દર્શાવેલી હોય છે જેથી અમારી માગ છેે કે, આઈટી રિટર્નને જ અમારી આવકનું સર્ટિફિકેટ ગણવામાં આવે, જેથી વૃદ્ધ નિવૃત્ત કર્મચારીઓ તલાટી કે અન્ય ઓફિસોના ધક્કા ખાવાથી બચી શકે અને મા કાર્ડ માટે તલાટી કમ મંત્રી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાને બદલે આમારા આઈટી રિટર્નમાં દર્શાવેલ આવકને મા કાર્ડ માટે અધિકૃત રીતે ગ્રાહ્ય રાખવું જાેઈએ તેવી માગ કરી હતી.