ગોધરા-

ધારાસભ્ય અને તેમના મળતીયાઓના તાબે નહી થનાર વિસ્થાપિત અભેસિંહ ચૌહાણ છેલ્લા ૫ ઉપરાંતના દિવસથી ગુમ થયો હોવાનું પરીવારજનો જણાવી રહ્યા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. બીજીબાજુ ગુમ થયેલા અભેસિંહ ચૌહાણને પોલીસ મથકે હાજર કરવા માટે પોલીસ તેના પરિજનોને ધાકધમકી આપતી હોવાનો પણ આક્ષેપ પરીવારજનોએ કર્યો છે. ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપીંડીના આક્ષેપ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજી તેમજ અન્ય વગદારો સામે છેતરપીંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથેની રજૂઆત પતંગડી ગામના વિસ્થાપિતો દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર સહીત મુખ્યમંત્રી સુધી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હડફ્‌, કબૂતરી અને અદલવાડા સિંચાઈ યોજનાના વિસ્થાપીતોને ગોધરા નજીક આવેલા છબનપુર ગામમાં મળેલી જમીન છેતરપીંડી કરી દસ્તાવેજાે બનાવી જમીન લઈ લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિસ્થાપિતો દ્વારા રજુઆત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના પતંગડી ગામના વિસ્થાપીતોને ૪૦ વર્ષ બાદ હાલમાં જ ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં છબનપુર ગામે જમીનની સનદો આપવામાં આવી હતી. જેના રેવન્યુ દસ્તાવેજ છેતરપિંડી કરી કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પતંગડી ગામના વિસ્થાપિતોએ કર્યો છે. વિસ્થાપીતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગોધરા તાલુકાના છબનપુર ખાતે જમીનની સનદો અપાવાની છે તેમ કહી સબ રજીસ્ટાર કચેરી જે પૂછે તેનો જવાબ હામાં જ આપવાનું જણાવી ધારાસભ્ય તેમના પુત્ર અને અન્ય લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવ્યો હોવાનો લેખિત રજુઆતમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત જમીન વેચાણ માટે કોઈ સરકારી કચેરીમાં ગયા વગર ઘરે બેઠા જ અભણ વિસ્થાપીતોની જમીનના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યું છે. વિસ્થાપીતોના ઘરે આવી જે પૂછે તેનો જવાબ હા આપવો તેવું કહેતો વિડીયો પણ વિસ્થાપિતો દ્વારા મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે વિસ્થાપિતો દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસ દ્વારા વિસ્થાપીતો અને તેમના કુટુંબીજનોને હેરાન કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ વિસ્થાપીતો અને તેમના પરિજનોનો આક્ષેપ કરી રહ્યા છે.