આણંદ : શિયાળાની ઋતુમાં વયોવૃદ્ધ નાગરિકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે ગોકુલધામ નાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે શિયાળાની ઋતુ પૂર્વે આણંદ જિલ્લાના જરૂરીયાતમંદ વડીલો બા-દાદાઓને આગામી તા.૮ નવેમ્બરના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ગોકુલધામ નાર ખાતે નિઃશુલ્ક જેકેટ અને ટોપીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  

ગોકુલધામ નારનાં સાધુ શુકદેવપ્રસાદદાસે જણાવ્યું હતું કે, અમેરિકાના વર્જિનીયા બીચ સેવા મંડળના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ બા-દાદાઓ માટે રૂ.૩૨ લાખના ખર્ચે ૧૧ હજાર જેકેટ અને ૧૧ હજાર ટોપીના વિતરણનું આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોકુલધામ નાર દ્વારા ભક્તિ સેવા આશ્રમ, ૧૧ ગામોમાં હોસ્પિટલ એટ યૉર ડોર દ્વારા દરિદ્રનારાયણની સેવા, હોસ્પિટલનાં દર્દીઓને વિનામૂલ્યે દૈનિક ટિફિન સેવા, ૨૨ સરકારી શળાઓમાં મિનરલ વોટરની નિઃશુલ્ક સેવા, ચેરિટી સ્કૂલ તેમજ હોસ્ટેલ, ગૌશાળા જેવી નિયમિત સેવાઓ કરવામાં આવે છે. તેમજ જરૂરીયાતમંદ માતા કે પિતા વગરની સર્વ જ્ઞાતિય દીકરીઓના દર વર્ષે સમૂહ લગ્ન, વૃદ્ધાશ્રમો અને વયોવૃદ્ધોને વોકિંગ સ્ટીકનું વિતરણ, ઉનાળાની ઋતુમાં ચંપલનું વિતરણ તથા છેવાડાના ગામોમાં નેત્ર નિદાન કેમ્પ દ્વારા આંખના ઓપરેશનની સેવાઓ જેવી સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, આરોગ્યલક્ષી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.