કચ્છ-

કોરોના કાળ દરમ્યાન લોકડાઉના પગલે ધંધા-રોજગાર બંધ રહ્યા હતા, જેના કારણે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો. આવક બંધ થઇ જવાની સાથે લોનના હપ્તા ભરવા તેમજ લાંબા સમય સુધી ઉભી રહેલી ટ્રકોમાં ખોટીપો સર્જાતાં બેવડા મારથી ટ્રક માલિકોની હાલત કફોડી બની ગઇ હતી, જાે કે લિગ્નાઇટ પરિવહન ક્ષેત્રે તેજીનો સંચાર થતાં આ ક્ષેત્રના પરિવહન સાથે સંકળાયેલા પરિવહનકારોનો હવે સુવર્ણ યુગ શરૂ થયો છે કોલસાની અછત, આયાતી કોલસાના ભાવમાં વધારા વચ્ચે ઉદ્યોગો અને ભઠ્ઠામાં કોલસાની માંગ આવેલા ઉછાળાના પગલે લાંબા સમય બાદ લિગ્નાઇટ પરિવહનમાં આવેલી તેજીની સાથે મંદીના મારમાં સપડાયેલા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો સુવર્ણ યુગ શરૂ થયો છે. મળતી વિગતો મુજબ હાલે આયાતી કોલસાનો ભાવ વધારો હોવાના કારણે કચ્છના લિગ્નાઇટની માંગમાં ઉછાળો આવ્યો છે.

અધુરામાં પૂરું દક્ષિણ ગુજરાતની બે ખાણો પણ બંધ હોવાથી સમગ્ર ગુજરાતમાં માત્ર ઉમરસર અને માતાના મઢથી લિગ્નાઇટનું પરિવહન થાય છે. આયાતી કોલસાના ભાવ વધારાના કારણે સ્વાભાવિક રીતે વપરાશકારો કચ્છનું લિગ્નાઇટ મંગાવતા થયા છે. વધુમાં આગામી સમયમાં ભઠ્ઠાની સિઝન ચાલુ થવાની હોઇ હજુ લિગ્નાઇટની માંગમાં વધારો થાય તેવું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે. વર્તમાન સમયે કચ્છના લિગ્નાઇટમાં ટન દીઠ રૂ.૪૫૦૦થી રૂ.૫૦૦૦ની ઓનમાં પણ માલ ન મળતો હોવાના હેવાલ મળી રહ્યા છે. વધુમાં મોરબીના ટાઇલ્સના કારખાનામાં પણ વ્યાપક વધારો થયો હોવાથી ત્યાં પણ લિગ્નાઇટની માંગ વિશેષ રહી છે. આ અંગે ટ્રાન્સપોર્ટ અગ્રણી નરેન્દ્ર મીરાણીએ જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ કચ્છ લિગ્નાઇટ પરિવહન ક્ષેત્રે તેજી આવી છે.

દક્ષિણ ગુજરાતની તડકેશ્વર અને રાજપારડીની ખાણ ચાલુ કરાય તો હાલ માતાના મઢ, ઉમરસર ખાણમાંથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને જે ક્વોટા ફાળવાય છે તે તેમને સ્થાનિકે ફાળવાય અને કચ્છની ખાણોમાંથી મોરબી, અમદાવાદના ઉદ્યોગકારોને જથ્થો ફાળવાય તો વધારે તેજી આવે તેમ છે. જાે કે, ડીઝલના ભાવ વધારાના લીધે માત્ર લિગ્નાઇટ પરિવહન ક્ષેત્રે જ તેજી આવી છે અન્ય ધંધા સાથે સંકળાયેલા ટ્રક માલિકોની હાલત હજુ પણ કફોડી છે. સિમેન્ટ કંપનીઓ પૂરતા ભાડા ન આપતી હોવાના કારણે ટ્રક માલિકોની હાલત દિવસા-દિવસે દયનીય થતી જાય છે. જાે કે લિગ્નાઇટ પરિવહન ક્ષેત્રે આ તેજી લાંબા સમય સુધી ચાલશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રક માલિક સંગઠન પણ સહકાર આપતું હોઇ ટ્રક ટ્રાન્સપોર્ટરોને વિશેષ ફાયદો થશે.

લિગ્નાઇટ ક્ષેત્રે તેજીના માહોલથી અન્ય ધંધાઓ જેવા કે, હોટલ, પેટ્રોલ પંપ, ટાયર, સ્પેરપાર્ટ સહિતના ધંધાઓમાં પણ રોનક આવી ગઇ છે. વધુમાં તા.૧-૧૧થી દક્ષિણ ગુજરાતની તડકેશ્વર અને રાજપારડીની ખાણો ચાલુ થઇ જવાની શક્યતા વચ્ચે જાે સુરત આજુબાજુના સેન્ટરોને ત્યાંથી જ ક્વોટા ફાળવાય તો કચ્છમાંથી મોરબી, રાજકોટ, અમદાવાદ સહિતના કેન્દ્રોને જ ક્વોટા ફાળવાશે તો તેનો વધુ ફાયદો કચ્છના પરિવહનકારોને થશે એમ કચ્છના ટ્રક હાલે માતાના મઢ અને ઉમરસર ખાણમાંથી દરરોજની એક હજાર જેટલી ટ્રકો ભરાય છે અને ટ્રક માલિકો ગાડી ખાલી કરીને પરત આવતાની સાથે જ ડ્રો પધ્ધતિથી ચિઠ્ઠી મળી જાય છે. અગાઉ ગાડીને ચિઠ્ઠી મળતા ૧૦ દિવસનો સમય લાગી જતો હતો પરંતુ હવે તાત્કાલિક ચિઠ્ઠી મળી જતાં ટ્રક ચાલકોને લાંબા સમય સુધી રાહ જાેવી પડતી નથી. વધુમાં મજૂરી સહિતના પ્રશ્નો ઉકેલાઇ જતાં દરેક ટ્રક માલિકને પૂરતું કામ મળી રહે છે. તો વળી ટ્રાન્સપોર્ટરોને ફ્રી સેલ ક્વોટાનો મળતો લિગ્નાઇટનો જથ્થો ઉંચા ભાવે વેચીને ટ્રક માલિકો સારો એવો નફો કમાઇ લે છે.