આણંદ : આણંદ જિલ્લામાં એનએફએસએ યોજના હેઠળ ૨.૬૫ લાખ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ ૩૦ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકો ખોટી રીતે લાભ લઈ રહ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે. પૂરવઠા વિભાગ દ્વારા ૧ માસ અગાઉ એનએફએસએ યોજનામાં ખોટી રીતે લાભ લેતાં લોકોને નામ કમી કરવા માટેની કવાયત હાથ ધરી હતીે. તેનાં ભાગરૂપે પૂરવઠા વિભાગે જાહેરાત કરી હતી કે, એનએફએસએ યોજનાનો ખોટી રીતે લાભ લેતાં હોય તેવાં રેશનકાર્ડ ધારકો સ્વૈચ્છીક રીતે પોતાના નામ કમી કરાવે. નવાઈની વાત તો એ છે કે, હજુ સુધી જિલ્લામાં માત્ર ગણ્યાં ગાઠ્યાં રેશનકાર્ડ ધારકોએ એનએફએસએ યોજનામાંથી પોતાના નામ કમી કરાવ્યાં છે.  

આણંદ જિલ્લામાં એનએફએસએ યોજના હેઠળ હાલમાં ૨.૬૫ લાખ રેશનકાર્ડ ધારકો આવરી લેવામાં આવ્યા છે. કેટલાંક રેશનકાર્ડ ધારકો સક્ષમ હોવા છતાં ખોટી રીતે સરકારી અનાજની યોજનાનો લાભ લઇ રહ્યાં છે. ખોટી રીતે લાભ લેતાં ૬૦ હજારથી વધુ રેશનકાર્ડ ધારકો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિણામે ખરેખર જેને જરૂર છે તેવાં પરિવારો સુધી સરકારી અનાજ સહિતના લાભ પહોંચતા નથી.

આ બાબત છેક ગાંધીનગર લેવલ પર પૂરવઠા વિભાગના ધ્યાને આવી હતી, જેથી આખા રાજ્યમાં પૂરવઠા વિભાગ દ્વારા એનએફએસએ યોજનાનો ખોટી રીતે લાભ લેતાં રેશનકાર્ડ ધારકોને શોધીને તેમના નામ કમી કરવાની કવાયત હાથ ધરી હતી. પહેલાં પૂરવઠા વિભાગના અધિકારીએ એનએફએસએ યોજનાનો અજાણતામાં ભૂલથી પણ ખોટી રીતે લાભ લેતાં રેશનકાર્ડ ધારકોને પોતાના નામ સ્વૈચ્છીક રીતે રદ કરવા અપીલ કરી હતી. છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.