રાજકોટ-

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર ૪ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે જ ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડર બ્રિજમાં એસટી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. જીવના જાેખમે ગળાડૂબ પાણીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકો સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યા હતા. આટકોટમાં આજે ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ઉમવાડા અંડર બ્રિજમાં ગોંડલ-પાવાગઢ રૂટની એસટી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. જેથી મુસાફરોને જીવના જાેખમે બસની બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. જ્યારે જેસીબીની મદદથી બસને પાણીની બહાર કાઢવામાં આવી હતી.

ગળાડૂબ પાણીમાં મુસાફરો માથા પર સામાન લઈને બહાર નીકળ્યા હતા. ઘટનાને પગલે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જસદણના પંચમુખી હનુમાનજી મંદિર પાસે એક વૃક્ષ ધરાશાયી થતા મેઈન રસ્તો બંધ થતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. વૃક્ષ રોડ પર પડતા આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. જાે કે આ અંગે તંત્રને પણ જાણ ન હોય લોકો એકત્ર થઈ ગયા હતા અને નગરપાલિકાને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને રસ્તા પરથી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આટકોટમાં રાતના ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આથી જસદણ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાયા હતા.

વાહનચાલકો પણ પાણી ન ઉતરે ત્યાં સુધી વરસતા વરસાદમાં જ ઉભા રહી ગયા હતા. જસદણ રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ દોડી ગયા હતા અને પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સારા વરસાદથી ભાદર નદી બેકાંઠે વહી રહી છે. બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડતા મિયાખીજડીયાથી પાનસડા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તા પર વોકળાનું પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે. જેથી રસ્તાની બંને બાજુ વાહનચાલકો ફસાયા છે. આ વિસ્તારમાં આવતા ગામના લોકો અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યાં છે. પણ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જેથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.