ગોંડલ,તા.૧

રાજકોટ શહેર અને ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલા છે અને ૧૦૦થી ૧૨૫ વર્ષ જૂના બ્રિજ છે. જેની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી.

આ બે બ્રિજ પૈકી એક બ્રિજ સરદાર બ્રિજ છે. જ્યારે બીજાે બ્રિજ સેન્ટ્રલ ટોકીઝ પાસે આવેલી છે. આ બ્રિજ ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા છે. બ્રિજની આસપાસ આવેલા વિસ્તાર જેવા મોવિયા,આટકોટ,ઘોઘાવદર અને જસદણનાં લોકો મોટા પ્રમાણમાં બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ વર્ષો જૂના અને બિસ્માર સ્થિતિમાં હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. અરજદારના વકીલ રથીન રાવલે અગાઉની સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, આ બે બ્રિજની હાલતને લઈને જુદા-જુદા ડિપાર્ટમેન્ટમાં અનેક રજૂઆત કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જાે તાત્કાલિક ધોરણે બ્રિજનું સમારકામ નહીં થાય તો મોરબી ઝૂલતા બ્રિજ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તેવી શકયતા છે. આથી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગોંડલ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગને આ મુદ્દે નોટિસ પાઠવી હતી. સાથે જ હાઇકોર્ટે સરકારને આદેશ હતો કે, બ્રિજની સ્થિતિ મુદ્દે તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે, જેને કોર્ટના રેકર્ડ પર મુકવામાં આવે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં આ બ્રિજને રિપેરની જરૂર જણાઈ હતી.

આજે આ જાહેર હિતની અરજી પર વધુ સુનાવણી કરતા કોર્ટે આ કેસને મહત્વની બાબત કહી હતી. અત્યાર સુધી આ બાબતે શું પ્રોગ્રેસ થઈ તે અરજદારના વકીલને જણાવાયું નથી, તેવી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બ્રિજના ફોટોગ્રાફ પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. નગરપાલિકાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ બ્રિજને રીપેરીંગની જરૂર છે. નગરપાલિકાએ બ્રિજનો ઉપયોગ કરવા લોકોને અનુમતિ આપી છે.