અમદાવાદ-

તેજસ ટ્રેનની એક ટ્રીપ દરમિયાન ત્રણ વખત સેનીટાઈઝ કરવામાં આવશે. તેમજ જ્યારે પણ પેસેન્જર ટ્રેનમાં પ્રવેશે અને ઉતરે ત્યારે તે જગ્યાને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ અત્યારે ચાલુ છે, જેમાં પ્રવાસીનો સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. તેજસમાં પેસેન્જરોને ગરમ ભોજન આપવામાં આવશે. જ્યારે ટીની સુવિધા અનલિમિટેડ હશે. સ્વચ્છતાના ધોરણો માટે કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.

સામાન્ય રેલવેની જ ગાઈડલાઈન તેજસ ટ્રેનને લાગુ થશે. બધા પેસેન્જરોએ બોર્ડિંગ કરતાં પહેલાં થર્મલ સ્ક્રીનીંગ કરાવવું પડશે અને આરોગ્યની પણ ફરજિયાત પણે તપાસણી કરવામાં આવશે. સ્ટાફે પણ સાવચેતીના પગલા તરીકે ફેસ માસ્ક અને સેફટી ગિયર પહેરવાના રહેશે. પેસેન્જરોએ 90 મિનિટ પહેલા સ્ટેશને પહોંચવાનું રહેશે અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. સંપૂર્ણ યાત્રા દરમિયાન ફેસ માસ્ક ફરજિયાત છે.આ ઉપરાંત 50 ટકા કેપેસિટી સાથે તેજસ ટ્રેન ચાલતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશિષ્ટ પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટ ચાલુ છે, પરંતુ તેના કરતાં વધુ સારી સુવિધાઓ અને અડધુ ભાડું હોવાથી તેજસ પ્રવાસીની પહેલી પસંદ બની છે.

તા. 17 ઓક્ટોબરથી ભારતની સુપ્રસિદ્ધ લક્ઝરિયસ તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઇ તેમજ દિલ્હીથી લખનઉ વચ્ચે દોડશે. ત્યારે IRCTCના ક્ષેત્રિય પ્રબંધક વાયુ શુક્લાએ જણાવ્યું કે, પ્રવાસીની વિશેષ માંગને કારણે આ બંન્ને કોર્પોરેટ ટ્રેનો વિશેષ રીતે શરૂ કરવામાં આવશે. તેજસને લઈને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રવાસીને પ્રદાન કરવામાં આવશે.