ગિરનાર રોપ-વેને પ્રથમ દિવસે સારો પ્રતિભાવ, 2 હજારથી વધુ પ્રવાસીઓએ રોપ-વેની સફર કરી
26, ઓક્ટોબર 2020

જૂનાગઢ-

રવિવારથી વિજયા દશમીના શુભ મુહુર્તે તમામ યાત્રિકો માટે રોપ-વેની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને પ્રથમ દિવસે ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો અને રવિવારે એક સાથે ત્રણ હજાર જેટલા પ્રવાસીઓએ રોપ-વેની સફર કરીને અનોખા રોમાંચની અનુભૂતિ કરી હતી. એશિયાનો સૌથી લાંબો રોપ વે ગિરનાર શનિવારે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત થયો હતો. ત્યારે લોકાર્પણ કાર્યક્રમમાં જૂનાગઢના લોકોએ રોપ-વે ને લઈને જે ઉત્સુકતા દાખવી હતી. તે જોઇને રોપવેના સંચાલકો પણ દંગ રહી ગયા હતા અને આ જ કારણ છે કે રવિવારે વિજયાદશમી જેવા પાવન અવસરે રોપ-વે સંચાલકોએ રોપ-વે સેવાઓ તમામ પ્રકારના યાત્રિકો માટે વિધિવત રીતે ખુલ્લી મુકવાનો નિર્ણય કર્યો છે.

દિવાળીના તહેવારો હવે ખૂબ જ નજીકમાં છે સાથે-સાથે વેકેશન પણ ચાલી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો દિવાળીની રજા માણવા માટે ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાતે ચોક્કસ આવતા હોય છે. ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં ખુલ્લો મુકાયેલો ગિરનાર રોપ-વે કોઈપણ પ્રવાસીની પ્રથમ પસંદગી બની રહેશે અને દીવથી લઈને સોમનાથ અને દ્વારકાથી લઈને પોરબંદર સુધી પ્રવાસે આવતો પ્રત્યેક પ્રવાસી એક વખત જૂનાગઢની મુલાકાત લઈને ગિરનાર રોપ-વેના રોમાંચનો અનુભવ ચોક્કસ કરશે. ત્યારે આજે આપણે એટલું કહી શકીએ કે આગામી તહેવારો અને વેકેશનના સમયમાં ગિરનાર રોપ-વેમાં બેસવા માટે પ્રવાસીઓ વચ્ચે રીતસરની હરિફાઈ થતી જોવા મળે તો પણ નવાઇ પામવા જેવું કશું જ નહીં હોય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution