19, ઓક્ટોબર 2021
ગાંધીનગર-
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ઠેર-ઠેર ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે. રૂદ્રપ્રયાગ નજીક કેટલાક વાહનો પર પહાડનો મોટો હિસ્સો તૂટીને પડ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલનને પગલે સલામતીના કારણોસર ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. પવિત્ર ચારેય ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં દેશભરના 10 હજાર શ્રદ્ધાળુ ફસાયા છે. ગુજરાતના હજારો પ્રવાસીઓ ચારધામ યાત્રામાં ફસાયા છે. જેમાં રાજકોટના પણ 180 યાત્રાળુઓ ગંગોત્રી જતા સમયે રસ્તામાં ફસાયાની માહિતી બહાર આવી છે.
ફસાયેલા યાત્રાળુઓનો સલામતીને લઈને ગુજરાત સરકાર પણ કાર્યરત થઇ છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે આ અંગે વાત કરી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ફસાયેલા પ્રવાસીઓને લઈ ચિંતા વ્યક્ત કરી છે.અમદાવાદ, સુરત, રાજકોટના ફસાયેલા યાત્રાળુ અંગે માહિતી મેળવી છે. સાથે રૂદ્રપ્રયાગના સ્થાનિક અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ. પૂર્ણેશ મોદીએ કહ્યું કે સાંજ સુધી રસ્તા ખુલતા પ્રવાસીઓ પરત ફરી શકશે.ગુજરાત ના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.
હેલ્પ લાઇન – 079 23251900
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય સરકારે માર્ગો અને હેલિકોપ્ટરની સેવા બંધ કરી છે. જેથી યાત્રાળુઓને હોટલમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી છે.