ગુજરાતના આ જીલ્લામાં ડ્રેગનફ્રૂટની ખેતી કરવા 144 ખેડૂતોને સરકારી સહાય અપાશે
10, સપ્ટેમ્બર 2021

કચ્છ-

જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળ્યા છે. ત્યારે જિલ્લાના 144 ખેડૂતોને ડ્રેગનફ્રુટની ખેતી કરવા માટે સરકારી સહાય આપવામાં આવસે. ડ્રેગન ફ્રૂટ મૂળ વિદેશી ફૂટ તરીકે ગણાતું હોય છે, પરંતુ અનેક ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે કમળના ફૂલ જેવા દેખાતા ડ્રેગન ફ્રૂટને કમલમ્ ફ્રૂટ તરીકે નામકરણ કરી બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અમલમાં મૂકી છે. ડ્રેગન ફ્રૂટની ખેતી પ્રારંભિક તબક્કામાં ખર્ચાળ હોવાથી સામાન્ય ખેડૂતોને નિયત હેક્ટર વિસ્તારમાં કરાયેલી ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વરસાદની અનિયમિતતા તેમ જ સિંચાઈના સ્ત્રોતના અભાવે કચ્છના 144 ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરશે. આ માટે ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટરદીઠ મહતમ 1.25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટની ખેતી માટે મળતી સહાય અંગે નાયબ બાગાયત નિયામક અધિકારી મનદીપ પરસાણિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજિત 227 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી હાલમાં કરવામાં આવે છે. આ વર્ષથી સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સહાય આપવા માટેની યોજના અમલમાં મૂકી છે, જેમાં ખેડૂતદીઠ 2 હેકટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટરદીઠ મહત્તમ 1.25 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. જિલ્લાના 144 જેટલા ખેડૂતો દ્વારા આઈ-ખેડૂત પોર્ટલમાં સહાય મેળવવા માટે અરજી કરવામાં આવી હતી અને કચેરી દ્વારા 144 અરજી મંજૂર કરવામાં આવી હતી અને આગામી સમયમાં સહાય માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution