ગાંધીનગર-

ગુજરાતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું ૧૫.૫% યોગદાન છે. રાજ્યમાં ૫૪.૪૮ લાખ ખેડૂત છે, ૬૮ લાખથી વધુ લોકો ખેતમજુરી ઉપર નભે છે. ખેડૂત મજબુત થશે તો રાજ્‍યનો જીડીપી મજબુત થશે. રાજ્‍યમાં ખેડૂતોને ખેતરમાં વાવેતરમાં ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી, મજૂરી વગેરે પાછળ હેક્‍ટરદીઠ રૂ. ૩૦ હજારનો ખર્ચ થતો હોય ત્‍યારે સરકાર દ્વારા જે સહાયના ધોરણો નક્કી કરવામાં આવ્‍યા છે તે અપૂરતા છે. ખેડૂતોને તેઓએ કરેલ વાસ્‍તવિક ખર્ચનું પૂરેપૂરું તથા બે હેક્ટરના બદલે સંપૂર્ણ વાવેતર વિસ્તારનું વળતર સરકારે ચૂકવી આપવું જોઈએ તેવી માંગ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પાસે કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્‍યમાં કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે કૃષિ અને સહકાર વિભાગે તા. ૧૦-૮-૨૦૨૦ના રોજ મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી છે. રાજ્‍યમાં ૧૯૮૬થી ખેડૂત પાક વીમા યોજના ચાલુ હતી એને વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કૃષિ ફસલ બીમા યોજનામાં પરિવર્તિત કરી. મને લાગે છે કે, આ વર્ષે ૧૯૮૬થી ચાલતી યોજનાને શટર પાડી દીધું, પાટીયું પાડી દીધું, બંધ કરી દીધું અને હવે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનાના નામે યોજના જાહેર કરી છે. ત્‍યારે આ ઠરાવમાં સરકાર દ્વારા અનાવૃષ્‍ટિ અને અતિવૃષ્‍ટિની જે વ્‍યાખ્‍યા કરવામાં આવી છે એનાથી રાજ્‍યના લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી. જગતના તાતને જીવાડવા માટે સરકારે તાત્‍કાલિક આ ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૂર છે. 

સરકારે રાજ્‍યમાં સરેરાશ ત્રણ વર્ષના વરસાદના આધારે કેટલો વરસાદ વરસ્‍યો એની સરેરાશના આધારે સર્વે કરાવવા જોઈએ. રાજ્‍યમાં પાક નુકસાનીના સર્વેની કામગીરીમાં સરળીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. ખેડૂતોએ એના ખેતરમાં કયો પાક વાવેતર કર્યો છે તેની નોંધણી કરાવવાની જવાબદારી વર્ષ ૨૦૦૮થી ભાજપ સરકારે ખેડૂતો ઉપર નાંખી દીધી છે. આથી ગામડાનો અભણ ખેડૂત આવી નોંધણી ન કરાવી શકતાં પાક વીમાના લાભથી વંચિત રહે છે. આમ ખેડૂતાને પાક વીમાથી વંચિત રાખવાનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા રચવામાં આવ્‍યું છે.