સરકારી જમીન પણ આવાસ યોજનાને ફાળે
23, ઓક્ટોબર 2021

વડોદરા ઃ શહેરના ભારે વિવાદીત બનેલા સંજયનગર પીએમ આવાસ યોજના અંગે રાજ્યની વડીઅદાલતે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે. બે સપ્તાહ અગાઉ થયેલા આ નિર્ણય અંગે હજુ સુધી પાલિકાતંત્રે મૌન સેવ્યું છે. પ્રોજેકટનું બાંધકામ અટાવવા માટે ૨૦૧૮માં થયેલી જાહેરહિતની અરજીનો નિકાલ હાઈકોર્ટે કરતાં હવે સંજયનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૬૩૭ મકાનો બનાવવાનો માર્ગ હવે ખૂલ્લો થયો છે.

હરણી-વારસિયા રિંગ રોડ ખાતે ૨૦૧૬માં એ સમયના વિવાદીત મ્યુનિ. કમિશનર ડો. વિનોદ રાવે આવાસ યોજના ઊભી કરવાના બહાને વગરવિચાર્યે તાત્કાલિક ઝુંપડપટ્ટી હટાવી દીધી હતી અને ૧૮૦૦ પરિવારોને બેઘર બનાવી દીધા હતા. ૨૦૧૭માં આ સ્થળે મકાનો બનાવવાની શરૂઆત થઈ હતી, પરંતુ ઈજારદાર જાણીબુઝીને ધીમી ગતિએ કામ કરતો હતો, એવામાં શહેરના જાગૃત નાગરિક કલ્પેશ પટેલે વડીઅદાલતમાં જાહેરહિતની અરજી કરી હતી. જેમાં આ જમીન અગાઉ ભિક્ષુક ગૃહને ફાળવી હોવાથી આવાસ યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો.

જાહેરહિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર સહિત જુદા જુદા વિભાગ મળી ૯ પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. સુનાવણીઓના અંતે હાઈકોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરી દેવાતાં હવે આ સંજયનગરની જમીન ઉપર આવાસ યોજના બની શકશે. જેની ૧૮૦૦ પરિવારો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે, ૨૦૧૭માં ઝુંપડાં તોડી નંખાયા બાદ આવાસ યોજનાના નિયમ અનુસાર યોજના તૈયાર ન થાય ત્યાં સુધી વિસ્થાપિત બનેલા પરિવારોને મકાનોનું ભાડું આપવાનંુ નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, ઈજારદારો વચ્ચે વિવાદ અને કાયદાકીય ગુંચના કારણે થોડા મહિનાઓ બાદ વિસ્થાપિતોને ભાડું આપવાનું પણ બંધ કરાયું હતું. આ મામલે વિસ્થાપિતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને મામલો છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો.

વિસ્થાપિતોએ મોરચો લઈ પાલિકાની કચેરી ખાતે ભાડાની માગને લઈને ભારે હોબાળો મચાવતાં પાલિકા દ્વારા આ સ્થળે ટૂંક સમયમાં જ આવાસ યોજનાનું કામ શરૂ થશે એવું આશ્વાસન વિસ્થાપિતોને આપી મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે, કોરોનાકાળને કારણે વિરોધ પણ સમી ગયો હતો. પરંતુ કોરોનાનું જાેર ઘટતાં શરૂ થયેલી હાઈકોર્ટની સુનાવણીમાં આ જાહેરહિતની અરજીનો નિકાલ કરવામાં આવતાં હવે સંજયનગરની જમીન ઉપર બીજી કોઈ અડચણ ન આવે તો ૨૬૩૭ આવાસો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution