ભાવનગર, ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. પાલિતાણાની ઘટના અંગે નિવેદન આપતી સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રેમ કરવો ગુનો નથી. પરંતુ, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ભાવનગર આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, માતા-પિતા પોતાની દીકરીઓનું ખાસ ધ્યાન રાખે. જાે કોઈ ફસાવવાનો પ્રયાસ કરતું હોય તો ડર્યા વગર પોલીસ સમક્ષ આવે. દીકરીની ઓળખ છતી ના થાય તેનું ધ્યાન રાખી ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન, સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. ગૃહ રાજ્ય મંત્રીએ ક્રિકેટની રમતના પોતાનાં કૌશલ્યનું નિદર્શન કરતાં થોડીવાર બેટિંગ પણ કરી હતી. અવસરે મેયર મતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

લવજેહાદની પીડિતાના પરિજનોની મુલાકાત લેતાં સંઘવી

ગૃહ રાજ્યમંત્રીએ પાલિતાણાની મુલાકાત દરમિયાન એક માસ પૂર્વે વિધર્મી યુવાનો દ્વારા હિન્દુ ધર્મની બે દીકરીઓને ભગાડી જવાનો જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં બંને દીકરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, ફરેબ દ્વારા લગ્નની લાલચ આપીને આવાં આવારા યુવકો દ્વારા રાજ્યની ભોળી દીકરીઓને ફસાવવાના પ્રયત્નોને કોઈપણ કાળે ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે, બંને દીકરીના પરિવારની પરિસ્થિતિ અને ખાસ કરીને બંનેના પિતાની આંખોમાં જે એક પ્રકારનો ગમ હતો તે ઘણું બધું કહી જાય છે. આ બંને દીકરીઓને ભોળપણમાં ફસાવી ષડયંત્ર દ્વારા લગ્નની લાલચ આપીને તેમની સાથે જે ઘટના ઘટી છે તે સંદર્ભમાં તેઓના પરિવાર સાથે ચર્ચા કરી છે.