ગાંધીનગર-

કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે.

પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.