અમરેલી-

જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક હોટલ દત પાસે ઝૂંપડાઓ પર એક ટ્રક ઘૂંસી જતા અકસ્માત સર્જાયો હતો..આ ઘટનામાં એક સા થે 8 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકો સારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહુવા તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝૂંપડપટ્ટીઓ તરફ બેકાબુ થયો હતો અને ઊંડા ખાડામાં ખાબકી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી રહેતા લોકો પર ટ્રક ફરી વળતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં 10 થી 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે. આ સાથે 12 લોકોને નાની મોટી ઇજા થઇ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે, આ ટ્રક ક્યાંથી આવી હતી ક્યાં જઇ રહી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન ટ્રકના ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ કરવવામાં આવી છે.