માડવી માંડવી તાલુકામાં વાતાવરણ પ્રદુષિત કરતા ગોળનાં કોલાઓ વિરુદ્ધ દૈનિક છાપાઓમાં સમાચાર આવતા સુરત જી.પી.સી.બી. અને માંડવી પ્રાંત અધિકારી કચેરીની ટિમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી તાલુકાનાં તમામ ગોળનાં કોલાઓ પર જઈ તપાસ કરવામાં આવી હતી. પરંતુ આજરોજ સુધી ગોળનાં કોલાઓ યથાવત સ્થિતિમાં ધમધમી રહ્યા હોય તો જી.પી.સી.બી. ની ટિમ દ્વારા કોઈ કાર્યવાહી કરાય છે કે પછી ફક્ત પ્રજાજનોની કોણી પર ગોડ ચોંટાડવામાં આવ્યો છે? તેવો પ્રશ્ન તાલુકાનાં પ્રજાજનોમાં ઉદ્દભવી રહ્યો છે.

ગત માસમાં માંડવી તાલુકામાં આવેલ તમામ ગોળનાં કોલાઓ પર જી. પી.સી.બી. ની ટિમ અને માંડવી પ્રાંત અધિકારીની ટિમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જી.પી.સી.બી. નાં અધિકારી દ્વારા કોલાઓ પર જઈ સંપૂર્ણ તપાસ કરાય હતી. તેમજ કોઈ કાયદાનો ભંગ થતો નજરે ચઢતા તેની નોંધ કરવામાં આવી હતી. પરંતુ કાયદાનો ભંગ કરનાર કોલાનાં માલિકો વિરુદ્ધ શું પગલાં લેવાશે? તેવું પૂછતાં “અમારા ઉચ્ચ અધિકારી દ્વારા તેઓ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.” તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ આજે તે વાતને પણ ઘણા એક માસ ઉપર થઈ જવા છતાં ગોળનાં કોલાઓ યથાવત સ્થિતિમાં ધમધમી રહેલા હોવાથી ઉચ્ચ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરાય હોય તેમ જણાતું નથી. તદુપરાંત ઉચ્ચ અધિકારીઓનાં છુપા આશીર્વાદથી જ આ કોલાઓ ધમધમી રહ્યા હોવાનું પણ પ્રજાજનોનાં મુખે ચર્ચાય રહ્યું છે. તેમજ પ્રદુષણ ફેલાવનાર ગોળનાં કોલાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા તાલુકાનાં પ્રજાજનોમાં તંત્ર વિરુદ્ધ રોષ પણ વ્યાપી રહ્યો છે. તો અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય ર્નિણય લઈ નિયમોનો ભંગ કરનાર ગોળનાં કોલાઓનાં માલિકો વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરાય તેવી તાલુકાનાં પ્રજાજનોમાં માંગ ઉઠી છે.