મહુધા : મહુધાના મિરઝાપુર ખાતેના ગૌચરમાં ગ્રામ પંચાયતે મનરેગા વિભાગના કર્મીઓની મદદથી વનીકરણની સાથે સાથે તમાકુના ધરુંનો પણ ઉછેર કરતા તાલુકા પંચાયતના મનરેગા વિભાગના કર્મી મનરેગાના કામોની સ્થળ તપાસની વાતો પોકળ બની હોવાની નગરજનોમાં ચર્ચા છે. 

મહુધા તાલુકામાં દિન પ્રતિદિન ગામે ગામ અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારના પોપડાં ઉખડી રહ્યાં છે. ત્યારે મનરેગા વિભાગના વનીકરણના નામે તમાકુના ધરું ઉછેરનો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી છે. છેલ્લાં છ માસથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તાલુકાના અલગ અલગ વિભાગના કર્મીઓની મહેરબાનીથી ચાલતાં કટકીના કાર્યક્રમો મહિલા વિકાસ અધિકારી દ્વારા રોજે રોજ ખુલ્લાં પાડવામાં આવી રહ્યાં છે. તેમ છતાં કટકીનો સ્વાદ ચાખી ગયેલાં મહુધા તાલુકના કર્મી અને પદાધિકારીઓ સુધરવાનું નામ નથી લેતાં. આવો જ વધુ એક કિસ્સો તાલુકાના મિરઝાપુર ખાતે પ્રકાશમાં આવ્યો છે. મિરઝાપુર ખાતેના ચરામાં થોડાં માસ અગાઉ મનરેગાની વનીકરણ યોજના હેઠળ ગામના કેટલાક લાભાર્થીઓને રોજગારીના ભાગરૂપે વનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીને પ્રાથમિક મુલાકાતમાં વનીકરણની કામગીરીના ભાગ રૂપે કેટલાક રોપા પણ રોપવામાં આવ્યા હતા, પરંતુ કટકીબાજોએ વનીકરણની સાથે સાથે કટકી કરવાનો નવો નુસખો અપનાવ્યો હતો. હાલ પંથકના ખેડુતોને તમાકુની ખેતી કરવામાં વધુ રસ જોવા મળે છે. ત્યારે ચાર વર્ષ અગાઉ ખેડુતો એક બીજાને મફતમાં આપતા તમાકુના ધરુંનો ભાવ હાલ એક હજાર રોપાએ ૫૦૦ રૂપિયા થઈ ગયો છે, જેનો લાભ લેવા મનરેગાના કર્મીઓની મિલીભગતથી મિરઝાપુરના સત્તાધીષો દ્વારા વનીકરણની સાથે સાથે ગૌચરમાં તમાકુના ધરુંનો પણ ઉછેર કરવામાં આવ્યો હતો. ત્યારે મનરેગાના કામો બાબતે મહુધા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની સ્થળ તપાસની વાતો પોકળ પૂરવાર થતી જોવા મળી હતી.