નડિયાદ : શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વહસ્તે જ્યાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે, એવાં વડતાલધામમાં ૧૯૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર તાજી લીલી-કાળી દ્રાક્ષના શણગાર અને સજાવટ કરવામાં આવ્યા હતા. આ માટે પૂ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિકથી ૨૫૦૦ કિલો દ્રાક્ષ વડતાલ મોકલાવી હતી અને પૂ.શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવક મંડળે ભક્તિપૂર્વક અપૂર્વ સજાવટ કરીને દેવની શણગાર કર્યા હતા. વડતાલ મંદિરના ઈતિહાસમાં આ શણગાર પ્રથમવાર હોય, હજારો ભક્તોનું પૂર ઊમટી પડ્યું હતું. સભામાં પૂ. આચાર્ય મહારાજે પૂ. માધવ સ્વામી નાસિકવાળાની સેવા ભાવનાને બિરદાવી હતી. રવિસભા સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને પ્રસાદમાં પણ દ્રાક્ષ આપવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા પૂજારી હરિકૃષ્ણાનંદજીએ સંભાળી હતી.