વડોદરા, તા.૨૦ 

જીએસએફસી કંપનીના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતી ૨૬ વર્ષીય મહિલા કર્મચારીના બંને હાથ મશીનમાં આવી જતાં તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે કંપનીના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને કંપનીના મેનેજમેન્ટની લાલિયાવાડી મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુરતના ડુમ્મસ રોડ પર આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રિયદર્શિની પુરુષોત્તમ લેન્કા (ઉં.વ.ર૬) જીએસએફસી કંપનીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગમાં ફરજ બજાવતી અને કંપનીના ક્વાર્ટર્સમાં રહેતી હતી. ગઈકાલે તેણીની કંપનીમાં ફરજ પર હાજર હતી અને ફરજ બજાવી રહી હતી તે વખતે મહિલા કર્મચારી પ્રિયદર્શિની લેન્કાના બંને હાથ હાથ કોઈ કારણસર મશીનમાં આવી ગયા હતા, જેથી તે ગંભીર ઘાયલ થઈ હતી. આ બનાવ બાદ તેણીને સારવાર માટે કંપનીની ડિસ્પેન્સરી ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબે પ્રાથમિક સારવાર આપી છાણી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવી હતી. જ્યાં તેણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

કંપનીમાં અવારનવાર બનતા ઘાતક બનાવોને કારણે કંપનીના અન્ય કર્મચારીઓમાં સેફટીના સાધન સુવિધાના અભાવને કારણે મેનેજમેનટ સામે ભારે રોષની લાગણી વ્યાપી છે અને ઉમેર્યું હતું કે, ૧૦ દિવસ અગાઉ પણ મેલામાઈન પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટનો કર્મચારી ઊંચાઈ પરથી પટકાયો હતો અને તે મોતને ભેટયો હતો. ૧૦ દિવસમાં આ બંને બનાવ બનતાં ચર્ચાનો વિષય બન્યો હતો.