દિનેશ પાઠક, આગામી કેન્દ્રિય બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને એક મહત્વની કેન્દ્રિય સંસ્થાની ભેટ આપે તેવી સંભાવના છે. કેન્દ્રિય અણું ઊર્જા વિભાગ દ્વારા પ્લાઝમા રિસર્ચ સેન્ટર ઉભું કરવાનું આયોજન છે. ગુજરાત રાજ્ય માટે આ મહત્વનો કેન્દ્રિય પ્રોજેક્ટ બની શકે છે. ગત સપ્તાહમાં કેન્દ્રિય અણું ઊર્જા વિભાગની ટીમે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામની મુલાકાત લીધી હતી. ૬૦૦ એકર જેટલી વિશાળ જગ્યા આ પ્રોજેક્ટ માટે જરૃરી હોવાનું જણાવાય છે. કેન્દ્રના અણું ઊર્જા વિભાગ હસ્તગત સ્વાયત્ત સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ છે. આ સંસ્થા દ્વારા હાલમાં ગાંધીનગર અને ગૌહત્તીમાં પ્લાઝમા રિસર્ચ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. ભારતને સાયન્સ અને ટેકનોલોજીમાં વૈશ્વિકસ્તરે અગ્રેસર બનાવવા માટે આ રિસર્ચ સેન્ટર સ્થાપવાનું આયોજન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગત સપ્તાહમાં ખંભાતના કલમસરની સ્થળ મુલાકાત આઠ સભ્યોની કેન્દ્રિય ટીમે લીધી હતી. ગુજરાત સરકાર પણ આ ટીમને સંપૂર્ણ સહયોગ આપી રહી છે અને કેન્દ્રિય ટીમની મુલાકાત દરમિયાન એક ઉચ્ચ અધિકારી પણ જાેડયા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતને નજરમાં રાખે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતેથી પણ મધ્ય ગુજરાતના વિકાસની ચિંતા કરી રહ્યા છે અને તેના ભાગ રૃપે જ આ પ્લાઝમા રિસર્ચ સેન્ટર માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપીને દેશ વિદેશમાં સરદાર વલ્લભભાઇ પટેલની યાદગીરી સતત જીવંત રાખી છે. કેવડિયાને વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિવિધ પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે ત્યારે હવે આણંદ જિલ્લાના વિકાસ માટે આ પ્રોજેક્ટ નવા દ્વાર ખોલી શકે છે.

કેન્દ્રિય પ્રોજેક્ટ મળતાં સ્થાનિક રોજગારી વધશે

કોઇ પણ સ્થળે કેન્દ્રિય પ્રોજેક્ટ આવે તો તેની સીધી સકારાત્મક અસર સ્થાનિક અર્થતંત્ર અને વિકાસ માટે થતી હોય છે. જાે કલમસરમાં પ્લાઝમા રિસર્ચ સેન્ટર આવે તો આણંદ જિલ્લામાં ઓછામાં ઓછી ૫૦૦ ઉપરાંત વ્યક્તિઓને પરોક્ષ રોજગારી મળી શકે તેમ હોવાનો અંદાજ છે.

પ્લાઝમા સાયન્સમાં વધુ સંશોધન કરાશે

હાલમાં પ્લાઝમા સાયન્સમાં સંશોધન ચાલી રહ્યા છે. હોટ પ્લાઝમા, ઔદ્યોગિક ઉપયોગ માટે પ્લાઝમા ટેકનોલોજી , લીગો આઇપીઆર એક્ટિવીટી પણ ચાલી રહી છે. મેટલ - ધાતુઓના ખવાણ કેવી રીતે ઘટાડી શકાય તે માટે પણ સંશોધન થાય છે. આદિત્ય અને સ્ટેડી સ્ટેટ ટોકમાક એક મહત્વનું સિમાચિહ્ન આ સંસ્થા માટે છે.

કેન્દ્રિય ટીમે શા માટે કલમસરની મુલાકાત લીધી?

કેન્દ્રિય ટીમે ગુજરાતમાં આ પ્રોજેક્ટ માટે સંભવિત સ્થળોનો અભ્યાસ કર્યો હતો. જેમાં વિપુલ પાણી ઉપલબ્ધ હોય, સરકારી જમીન હોય , અમદાવાદથી ૧૫૦ કિ.મી.ની ત્રિજ્યામાં આ સેન્ટર ઊભું કરવામાં આવે તો દેશ વિદેશના નિષ્ણાતોની ટીમોને, વૈજ્ઞાનિકોને પણ સુગમતા રહે તેવા સ્થળ તરીકે ખંભાત તાલુકાના કલમસર બહાર આવ્યું હતું. મહીસાગર કાંઠે કલમસર આવ્યું છે. આ ઉપરાંત તે અમદાવાદથી ૧૫૦ કિ.મી. વિસ્તારમાં જ છે. ૬૦૦ એકર જેટલી સરકારી જમીન ઉપલબ્ધ છે.આથી જમીન સંપાદન માટે સરકારને કોઇ જ મુશ્કેલી નહિ પડે.

મહીસાગરની ભરતી અને ઓટના જીઓલોજીકલ ડેટાનો અભ્યાસ

મહીસાગર નદીમાં આવતી ભરતી અને ઓટના જીઓલોજીકલ ડેટાનો અભ્યાસ પણ કેન્દ્ર સરકારની આ ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નદી કાંઠાથી કેટલા મીટર પાણીનો પ્રવાહ આવતો હોય છે તેના ડેટાનો અભ્યાસ થશે.

આઇપીઆર માટે રાજ્યની મદદ લેવાશે

ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ ઊભું કરવા માટે જરૃરી પાયાની સગવડો માટે રાજ્ય સરકારની મદદ લેવામાં આવનાર છે. હાલમાં કલમસર નજીક જ ધુવારણનો પાવર પ્લાન્ટ છે. ધુવારણ પાવર પ્લાન્ટ નજીક આવેલી ટાઉનશીપનો પણ અણું ઊર્જા વિભાગ ઉપયોગ કરી શકે તેમ છે.