ગુજરાત સ્થાપના દિવસ: જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
01, મે 2021

અમદાવાદ-

સમગ્ર દેશમાં ગુજરાતનુ વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં, પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે.

1 લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ આઝાદી બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રાજ્ય હતું જે બૃહદ-મુંબઈના નામથી ઓળખાતુ. આ દિવસે બૃહદ-મુંબઈમાંથી અલગ પડી ગુજરાત રાજ્ય અલગ બન્યુ. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો સરળતાથી નથી મળ્યો, તેના પાછળ સંઘર્ષની કહાની છે અને તે હતુ મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન આટલુ સફળ રહ્યુ, તેના માટે ખાંભી સત્યાગ્રહનો મોટો ફાળો રહ્યો છે. મહાગુજરાત આંદોલનનો ઈતિહાસ ખાંભી સત્યાગ્રહથી શરૂ થાય છે. ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચના કર્યા બાદ, ગુજરાત બૃહદ-મુંબઈ રાજ્યનો એક ભાગ હતુ. પરંતુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે, એક અલગ રાજ્યની માગ કરી રહ્યાં હતા. પરંતુ સરકારે મહારાષ્ટ્ર-ગુજરાતને ભેગા કરીને એક રાજ્ય જાહેર કરી દીધુ હતુ. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે 1956માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી, આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યુ. સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી, તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનુ કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ, ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી, આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને 'પશ્ચિમ ભારતનુ ઘરેણું' પણ કહેવાતુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution