ગાંધીનગર-

ગુજરાત સરકારે પારીત કરેલા લવ જેહાદ , અશાંત વિસ્તારોમાં થી સ્થાવર મિલ્કત તબીદિલી પ્રતિબંધ સહિત મહત્વના 8 વિધેયકો પર રાજ્યપાલે મંજૂરી ની મહોર મારી છે. હવે સરકાર દ્વારા વિધિવત ગેઝેટ પ્રસિદ્ધ કરશે અને ત્યારબાદ કાયદાનો અમલ શરૂ થશે.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે મહત્વના 8 વિધેયકો વિધાનસભા માં પસાર કરી રાજ્યપાલ ની મંજુરી માટે મોકલ્યા હતા. જેમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ સરકારે ગૃહમાં પસાર કરેલા 8 વિધેયકો ઉપર મંજૂરી ની મ્હોંર મારી છે. જેમાં (1) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, (2) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021: (3) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા

તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, 2021, (4) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ), (5) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021, (6) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2021:, (7) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયક, 2021, અને (8) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, 2021નો સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે.

તો બીજી તરફ મંજુર થયેલા 8 વિધેયકો અંગેની વિગતો આપતાં પ્રદીપ સિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, 2021માં રાજ્યમાં આ અધિનિયમના અમલ દરમિયાન, એવું અનુભવાયું હતું કે ઘણા કિસ્સામાં, આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને, મિલકતોની તબદીલી કરવામાં આવી છે અને તેને કારણે અનૈતિક વ્યક્તિઓને ગેરકાયદેસર કબજો મળે છે.

સ્થાવર મિલકતની આવી ગેરકાયદેસરની તબદીલી રોકવા અને કાયદેસરના માલિકોના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી, ઉપર્યુક્ત અધિનિયમ સુધારવાનું જરૂરી જણાયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ ના નહેરુ નગર વિસ્તારમાં અગાઉ ગંભીર ઘટનાઓ પણ બની ચુકી છે. જોકે હવે આ કાયદાના અમલીકરણ થી આવી ઘટનાઓ નહીં બને. ઉપરાંત રાજ્યમાં ધર્માંતર હેઠળ લવ જેહાદના અનેક કિસ્સાઓ રાજ્યમાં બનતા હતા. જોકે સરકાર આ મુદ્દે પણ ચિંતિત હતી. જેના પગલે રાજય સરકારે ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ)માં ગુજરાત રાજ્ય માં ઉક્ત સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું.