અમદાવાદ-

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૪૫.૫૧ ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં હાલ ૪૦.૦૩ ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં અત્યારે ૬૦.૪૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે જ્યારે મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૨મી ઓગસ્ટની સ્થિતિએ માંડ ૨૩.૯૭ ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના ૨૦ ડેમોમાં માંડ ૨૧.૩૪ ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ ૨૦૭ ડેમોમાં અત્યારે ૪૭.૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે ય રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં ૨૦૭ પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ૧૩ પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના ૧૪૧ પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ બાદ પણ દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એક તરફ સરકારે એવું જાહેર કર્યું છે કે રાજ્યના ૫૬ ડેમમાં ૩૧ સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષીત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. ત્યારે બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હોવા છતાં સરકાર ઓગસ્ટ સુધી જ ખેડૂતોને પાણી આપવાની વાતો કરે છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઉભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના ૧૫ અને કચ્છના ૨૦ ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે.

ચોમાસાની સિઝનને અઢી માસ પૂરા થવા આવ્યાં છતાં વરસાદ માંડ ૪૧ ટકા થયો છે તેની તુલનામાં ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં ૬૮.૪૬ ટકા જળનો જથ્થો સંગ્રહિત થઇ ગયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં સૌથી વધુ છે. આ વર્ષે વરસાદમાં તો ભાવનગર ઘણું પાછળ રહી ગયું છે. વાર્ષિક વરસાદ ૫૫૯ મી.મી. વરસે છે તેની તુલનામાં આ વર્ષે અડધો શ્રાવણ વિતી ગયો છે ત્યારે ૨૩૯ મી.મી. વરસાદ થયો છે જે કુલ વરસાદના ૪૧.૦૧ ટકા થાય છે. ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૩૪.૭૪ ટકા જળસંગ્રહ થયો છે તેમાં ચાર જિલ્લામાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. જેમાં ભાવનગરમાં ૬૮.૪૬ ટકા, અમરેલીમાં ૬૪.૦૦ ટકા, નવસારીમાં ૬૨.૫૨ ટકા અને વલસાડ જિલ્લામાં કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૨૩ ટકા જળનો સંગ્રહ થયો છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૨૬ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૪૧.૪ ટકા વરસાદ નોંધાયો જે સામાન્ય કરતા ઘણો જ ઓછો છે. એવામાં ખરીફ સિઝન બચાવવા માટે છેલ્લા વીસેક દિવસથી ખેડૂતો વરસાદની રાહ જાેઇ રહ્યાં છે.