અમદાવાદ-

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના મતે ઓરિસ્સા તરફથી આવતી સિસ્ટમ, બે દિવસમાં સૌરાષ્ટ્રના લો-પ્રેશરમાં મર્જ થતા, સિસ્ટમ મજબૂત બનશે અને તે પણ ભારે વરસાદ લાવી શકે એમ છે.

સૌરાષ્ટ્ર પરના લૉ-પ્રેશર ઉપરાંત ઓરિસ્સા તરફ ડિપ ડિપ્રેશન સર્જાયું હતું. જે આગળ વધતા વેલ માર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે અને તે પણ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ પહોંચશે ત્યારબાદ સૌરાષ્ટ્ર આવશે. આ સિસ્ટમ ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના લૉ-પ્રેશરમાં ભળી જશે, તેથી ફરી વરસાદ આવશે. જેમ જેમ નવી સિસ્ટમ બની રહી છે, તે પાછલી સિસ્ટમ કરતા વધુ મજબૂત થઈને આવી રહી છે. તેથી આ સિસ્ટમ પર સારો અને ભારે વરસાદ લાવે, તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર પર સર્જાયેલા લૉ-પ્રેશરનો સાઉથ-વેસ્ટ હિસ્સો રાજકોટ તરફે છે. તેના કારણે જ સૌથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે લૉ-પ્રેશર સર્જાય છે ત્યારે દરિયા તરફથી ભેજવાળા પવનો તે દિશા તરફ આવે છે અને ચક્કર લગાવવાનું શરૂ કરે છે. પણ જ્યારે તે ચક્કર 75 ટકા જેટલું પૂરું કરે, ત્યાં સુધીમાં પવનની ભેજ જકડી રાખવાની ક્ષમતા પૂરી થઈ જાય છે અને જ્યાં ક્ષમતા પૂરી થાય ત્યાં જ ભારેથી અતિભારે વરસાદ પડે છે અને તેને કન્વર્ઝન ઝોન કહે છે. હાલ આ લૉ-પ્રેશરનો દક્ષિણ પશ્ચિમી વિસ્તાર રાજકોટ, જામનગર અને ખંભાળિયા તરફ છે, એટલે જ ત્યાં વધારે વરસાદ પડ્યો છે.