અમદાવાદ-

ઉત્તરાયણનો તહેવાર ગણતરીના દિવસોમાં આવનાર છે ત્યારે પોલીસ પણ તૈયારીઓ કરી ચુકી છે. આ વર્ષે સરકારે ઉત્તરાયણના તહેવારને લઈને નિયમો જાહેર કર્યા છે તેનું પાલન કડકાઈથી થાય તે વાતનું ધ્યાન હવે પોલીસ રાખશે. ઉત્તરાયણ માટે સરકારે જે નિયમો જાહેર કર્યા છે તેમાં સૌથી અઘરો નિયમ ગુજરાતીઓને લાગશે કે ધાબા પર ડીજે કે સ્પીકર રાખી શકાશે નહીં. જો કે આ નિયમનું પાલન થાય તે માટે પોલીસે પણ ખાસ વ્યવસ્થા કરી છે.

સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે ધાબા પર પોઈન્ટ ગોઠવાશે અને દૂરબીનથી વોચ રાખવામાં આવશે. દર વર્ષે આવી વ્યવસ્થા રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ વ્યવસ્થા ધાબા પર નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચેક કરવા ગોઠવાશે. પોલીસ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું દેખાશે, માસ્ક વિના લોકો જણાશે તે જગ્યા વિશે સ્થાનિક પોલીસને જાણ કરવમાં આવશે અને તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ કે જ્યાં આ તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે દર વર્ષે ઉજવણી થાય છે ત્યાં પોળ જેવા વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.