અમદાવાદ-

ગૂજરાત વિદ્યાપીઠનો વાર્ષિક પદવીદાન સમારોહ ગત વર્ષે કોરોનાને લીધે યોજાયો ન હતો.જેથી હવે આ વર્ષે ૧૮મી ઓક્ટોબરે એક સાથે બે વર્ષનું કોન્વોકેશન યોજાશે.જો કે આ કોન્વોકેશન ઓનલાઈન જ યોજાશે. જેમાં બે વર્ષના વિવિધ કોર્સના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે.

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮ ઓક્ટોબરના રોજ થઈ હતી જેથી દર વર્ષે ૧૮મી ઓક્ટોબરે વિદ્યાપીઠનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. વિદ્યાપીઠના નિયમ અનુસાર કોન્વોકેશનમાં રૃબરૃ આવનાર વિદ્યાર્થીને જ ડિગ્રી આપવામા આવે છે. કોરોનાને લીધે ગત વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ કોન્વોકેશનને લઈને મુંઝવણમાં મુકાઈ હતી અને જેમાં વિદ્યાપીઠનું મંડળ નિર્ણય ન લઈ શકતા કોન્વોકેશન ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ રીતે યોજી શકાયો ન હતો.ગત વર્ષના બાકી રહેલા વિદ્યાર્થીઓને હવે ડિગ્રી આપી દેવી પડે તેમ હોવાથી આ વર્ષે તો હવે વિદ્યાપીઠે સમયસર કોન્વોકેશન યોજવો જ પડે તેમ હોઈ ઓનલાઈન યોજવામાં આવશે.