અમેરિકામાં રહેતા ગુજરાતી દંપતી પર લુંટારૂઓનો ગોળીબારઃ પત્નીનું મોત
08, માર્ચ 2021

સુરત, વિદેશમાં રહેતા ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેન હુમલા થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં જ સુરતના રહેવાસી એવા દંપતિ પર અમેરિકામાં ગોળીબારની ઘટના ઘટી છે જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા પતિ હાલ સારવાર હેઠળ છે. દંપતિ સુરતના ભરથાણાનું છે. અમેરિકામાં મેરિલેન્ડમાં હોટેલ માલિક દંપતી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો હતો. આ પરિવાર મેરીલેન્ડમાં મોટલના બિઝનેસ સાથે સંકળાયેલો છે.દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલના કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમો લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટારુઓ દંપતી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપતી સાથે બનેલી આ ઘટનામાં સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો.

આ પટેલ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જાેડાયેલો છે. તેમના સંતાનો પણ આ ઘટનાથી ભારે આઘાતમાં છે. લુંટારૂઓ દ્વારા કેટલી લૂંટ કરવામાં આવી તેને લઈને હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી ગઈ છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઘણા ભારતીયો રહે છે અને લૂંટના ઇરાદે અવારનવાર હુમલાના બનાવ બનતા હોય છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution