કોરોના મહામારીને કારણે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન પાછું ઠેલાયું હતું. પરંતુ હવે આ ફેસ્ટીવલ ઓનલાઈન યોજાવા જઈ રહ્યો છે.ભારત તરફથી આ ફિલ્મ ફેસ્ટીવલમાં મોકલવા માટે ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” અને મરાઠી ફિલ્મ “માઈ ઘાટ”ની પસંદગી થઇ હતી. હેલ્લારોને પ્રેક્ષકોનો ભરપૂર પ્રેમ તો મળ્યો જ છે. પણ એ સાથે ફિલ્મ ક્રીટીક્સે પણ આ ફિલ્મને ભરપૂર વખાણી છે. હેલ્લારોને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.ગઈ કાલે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ઇન્ડિયન પેવેલિયનનું ઓનલાઈન ઉદઘાટન કર્યું હતું. આ સિલેક્શન છે તે ફ્રેંચ ભાષાની Marche Du Film (પ્રોડક્શન માર્કેટ)માં થયું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર કોઈ ગુજરાતી ફિલ્મ નોમિનેટ થાય એ ઐતિહાસિક ઘટના ગબાય છે. એક સમયે ચોક્કસ પ્રેક્ષક વર્ગ પૂરતી જ સીમિત રહી ગયેલી ગુજરાતી ફિલ્મો છેલ્લા થોડા વર્ષોથી નવો અવતાર ધારણ કરી રહી છે. ‘અર્બન ટચ’ અને અદ્યતન ટેકનોલોજી તેમજ તાજગી સભર અભિનય પ્રતિભા સહિત રજૂ થઇ રહેલી નવા દૌરની આ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ જઈ રહી છે. એવામાં ‘હેલ્લારો’ જેવી ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં નોમિનેટ થવાની ઘટનાથી ગુજરાતી ફિલ્મ જગત પણ ઉત્સાહમાં હોય એ સ્વાભાવિક છે.