વડોદરા : કોવિડ-૧૯ની ગાઇડલાઇનના ચુસ્ત અમલ વચ્ચે આજે શહેરના કુલ ૩૮ કેન્દ્રો ખાતે ૭૬૦૦ વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષાઓ યોજાઈ હતી. આ પરીક્ષામાં એક કોરાના સંક્રમિત વિદ્યાર્થી અને એક કેન્સર પીડિત વિદ્યાર્થિનીને પરીક્ષા આપવાની હોવાથી આ ૨ વિદ્યાર્થીઓ માટે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની ૨ સ્કૂલમાં અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી બાદ આજે સૌપ્રથમ વખત વિદ્યાર્થીઓની વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપ્યા બાદ એન્જીનીયરીંગ સહીતના ડિગ્રી કોર્સમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા આજે શહેરના કુલ ૩૮ કેન્દ્રો પર યોજવામાં આવી હતી. જેમાં શહેરમાંથી ૭૬૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આજની આ પરીક્ષાઓ માટે તમામ કેન્દ્રોમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે સ્વચ્છતા, સૅનેટાઇઝેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સીન્ગની તમામ તકેદારી રાખવામાં આવી હતી. કુલ ૭૬૦૦ વિદ્યાર્થીઓ પૈકી કોરોનામાં હોમ ક્વોરન્ટીન થયેલા શહેરના એક વિદ્યાર્થીએ રવિવારે બપોરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ફોન કરીને પરીક્ષા આપવા માટે મંજૂરી માંગી હતી. વિદ્યાર્થીના ફોન બાદ બોર્ડમાંથી ડી.ઈ.ઓ કચેરીને ફોન આવ્યો હતો. જ્યારબાદ તેના તબીબી પ્રિસ્ક્રીપ્શનની ચકાસણી બાદ તેને પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વિદ્યાર્થી માટે તાંદલજા વિસ્તારની બેસિલ સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાનો ચેપ અન્ય વિદ્યાર્થીઓને ન લાગે તે માટે સ્કૂલમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થી માટે અલગ જ એક રૂમ ફાળવવામાં આવ્યો હતો અને પરીક્ષા પૂર્ણ થયા બાદ રૂમને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો અને સ્કૂલ દ્વારા કોરોનાગ્રસ્ત વિદ્યાર્થી કોઇના સંપર્કમાં ન આવે તેની ખાસ કાળજી લેવામાં આવી હતી. આ જ રીતે કેન્સર પીડિત એક વિદ્યાર્થિની માટે અલગ બેઠક વ્યવસ્થા કરવા માટે તેની સારવાર કરતા તબીબે લેટર આપ્યો હતો. જેમાં ડોક્ટરે જણાવ્યું હતું કે, કેન્સર પીડિત વિદ્યાર્થિનીની બધાની વચ્ચે રાખવી જોખમકારક હોવાથી અલગ રૂમની વ્યવસ્થા કરવી. જેથી તેના માટે સમા વિસ્તારની નવરચના વિદ્યાલયમાં અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ગનમાં જે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધારે આવે, અથવા તો કોવિડના શંકાસ્પદ લક્ષણો જણાય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવાનું આયોજન હતું. જોકે, સદ્‌નસીબે શહેરમાંથી આ બે વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ વિદ્યાર્થી માટે અલગ રૂમની વ્યવસ્થા કરવાની જરૂર પડી ન હતી.