મહુધા : મહુધા તાલુકાના વડથલ ગામના તલાટી કમ મંત્રી વિવાદોમાં સપડાયાં છે. ૬ હજારથી વધુ વસ્તી ધરાવતાં આ ગામમાં તલાટીને ૨ દિવસ વર્કિંગ ડે તરીકે ફાળવ્યાં છે. જાેકે, આ ૨ દિવસ પણ તલાટી કમ મંત્રી હાજર ન રહેતાં હોવાની ફરિયાદો ગામના લોકોએ કરી છે. 

આ સમગ્ર ઘટનામાં મળતી વિગતો અનુસાર, વડથલ ગામમાં તલાટી કમ મંત્રી તેમનાં નિયત સમય પ્રમાણે હાજર રહેતાં ન હોવાની બૂમ ગ્રામજનોમાં ઊઠી છે. તેમની અનિયમિતતાને કારણે ગામનાં લોકોને જરૂરિયાતના દાખલા કઢાવવામાં તકલીફ પડે છે. લોકોને રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા સહિત જમીન અને અન્ય બાબતોને લગતાં કામકાજ માટે ગ્રામ પંચાયતમાં ધસારો રહેતો હોય છે. જાેકે, તલાટીને ગ્રામ પંચાયતમાં ૨ જ દિવસ વર્કિંગ ડે આપેલાં હોવાથી આ ૨ દિવસ મોટા પાયે લોકો પોતાના કામકાજ માટે આવે છે. તેમાંય દુકાળમાં જાણે અધિકમાસ હોય તેમ આ ૨ દિવસ પણ તલાટી સમયે હાજર રહેતાં નથી! સાથોસાથ પોતાની મનમરજી મુજબ કામકાજ કરતા હોવાની રાવ ગામજનોમાં ચાલી રહી છે.

ગામલોકોનું કહેવું છે કે, તલાટીની અનિયમિતતાને કારણે ગામના વિકાસ કાર્યોમાં પણ માઠી અસર થઈ રહી છે. તેમજ ગામના સરપંચના મતે અનિયમિતતાને કારણે પંચાયતમાં રેવન્યૂ પણ ઓછી થઈ ગઈ છે. જે ગામનો વિકાસ રૂંધવામાં મહત્વનું પરિબળ હોવાનું અરજીમાં જણાવ્યંુ છે.

તલાટી કમ મંત્રીને ગામમાં સોમવાર અને શુક્રવાર ફાળવેલાં છે. ગામની વસ્તી અંદાજે ૬ હજારથી વધુ છે. બે જ દિવસ ફાળવ્યાં હોવાથી ગ્રામજનોને પોતાના કામ માટે ધક્કા ખાવાની ફરજ પડે છે. છતાં તેમનાં કામ પૂરાં થતાં નથી. તલાટી પોતે સમયે હાજર રહેતાં નથી. કોઈનો ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

મને વડથલ ઉપરાંત ફિણાવ, ધંધોડીનો પણ ચાર્જ સોંપાયો છે ઃ તલાટી

આ અંગે તલાટી ઈશ્વરભાઈને પૂછતાં તેમને જણાવ્યંુ હતું કે, વડથલ ઉપરાંત ફિણાવ અને ધંધોડીનો પણ ચાર્જ હોવાથી સોમવાર અને શુક્રવાર ઉપરાંત ગુરુવારે મીટિંગ પતાવીને હું વડથલમાં મારી ફરજ ઉપર હાજર રહું છું.