આણંદ : આણંદ પાલિકામાં પાર્કિંગના નિયમોના છેદ ઉડતાં હોય તેમ સંકુલના પ્રવેશદ્વારે જ વાહનો આડેધડ ખડકી દેવાતાં હોવાથી અરજદારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રીતના વાહનો ખડકાતાં હોવાથી વાડ જ ચીભડાં ગળતી હોવાની સ્થિતિ ઊભી થઈ છે. અગાઉ પાલિકાના પ્રવેશ પરિસરમાંથી અડિંગા જમાવી રુઆબ હાંકતાં નેતાઓના બેઠક સ્થાનોને હટાવી દેવામાં આવ્યાં હતાં. આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. ત્યારે પાલિકા સંકુલમાં આડેધડ પાર્કિંગની સમસ્યા પણ નવી નિમાયેલી યુવો બોડી વહેલીતકે દૂર કરશે તેવી લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે.