ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડતા સમયે પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે ચિકન સેન્ડવિચના આક્ષેપો કર્યા હતા. જેને લઈને કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ વળતો જવાબ આપ્યો છે. મેવાણીએ કહ્યું હતું કે, સરકારે મોટું મન રાખીને પાટીદારોને અનામત આપ્યું છે તેવું કહેનાર હાર્દિક એ વાત ભૂલી ગયો છે કે, આ અનામત માટે પાટીદાર સમાજના ૧૪ યુવાનો ગુમાવ્યા છે. કોંગ્રેસે સૌથી નાની વયમાં હાર્દિકને કાર્યકારી પ્રમુખ જેવો હોદ્દો આપ્યો હતો છતાં તે કહે છે કે કોંગ્રેસને ગુજરાત વિરોધી કે દેશદ્રોહી ચીતરવી યોગ્ય નથી. મેવાણીએ પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલે કોંગ્રેસ પર કરેલા નિવેદનો સામે સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ જણાવ્યુ હતું કે, જાે તેણે પક્ષ છોડવો જ હતો, તો તે ગરીમાપૂર્વક રાજીનામું આપી શકે તેમ હતો, તેમાં વળી ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની ક્યાં જરુર હતી? મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે મોટું મન રાખીને પાટીદારોને અનામત આપ્યું તેવું કહેનારો હાર્દિક એ વાત ભૂલી રહ્યો છે કે, તેના માટે પાટીદારોએ પોતાના ૧૪ યુવાનોને ગુમાવ્યા છે. માતા-બહેનોએ પોલીસના ડંડા ખાધા અને ભર તડકામાં લોકોએ કેવી રેલીઓ કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે, પક્ષ સામે કોઈ વાંધો થયો હોઈ શકે, પરંતુ કોંગ્રેસને ગુજરાત વિરોધી કે દેશદ્રોહી ચિતરવી યોગ્ય નથી. હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની સાથે સ્ટાર કેમ્પેઈનર બનાવી હેલિકોપ્ટર આપી રાજ્યોમાં પ્રચારની જવાબદારી સોંપી. એકાદ નાની માગણી ના સંતોષાય અને પક્ષ છોડવો જ હોય તો પ્રેમથી છોડી શકાય તેમ હતો. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ છોડી હતી, પરંતુ તેમણે ગરીમાપૂર્ણ રીતે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું અને અયોગ્ય ભાષાનો ઉપયોગ પણ નથી કર્યો.

કોંગ્રેસ વિરોધી નિવેદન કરશે તો હાર્દિકનો વિરોધ કરાશે  વાઘેલા

ગાંધીનગર, હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ પર અનેક સવાલો ઉભા કર્યા હતા. જે અંગે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો ન કરવા માટેની ચીમકી આપી છે. જાે હાર્દિક આવા નિવેદનો કરશે તો તેનો વિરોધ કરાશે તેવી યુવક કોંગ્રેસ પ્રમુખે ચીમકી આપી છે. કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામા આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

જાેકે પાંચ વર્ષ બાદ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે પ્રેસ કોંફરન્સ કરીને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. જે અંગે ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને ચીમકી આપી છે. વાઘેલાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇપણ નિવેદન કરતાં પહેલા વિચારીને બોલે. જાે કોંગ્રેસ પક્ષ અને નેતાઓ વિશે એલફેલ નિવેદન કરશે તો હાર્દિક પટેલનો કોંગ્રેસ જાહેરમાં વિરોધ કરશે. ૨૦૧૭માં હાર્દિક ભાજપ વિરુદ્ધ વિચારધારાના કારણે કોંગ્રેસમાં જાેડાયો હતો તો પાંચ વર્ષ બાદ એવું શું થયું? કે હાર્દિકની વિચારધારા બદલાઈ ગઈ. વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિકના આક્ષેપ અંગે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ક્યારેય ચિકન સેન્ડવીચ મંગાવી નથી. હાર્દિકે કરેલા નિવેદનો તથ્યહીન છે.