અમદાવાદ-

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે 12 અઠવાડિયાં એટલે કે લગભગ ત્રણ મહિના માટે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ સમક્ષ કરી છે. ગુજરાત સરકારે આ અરજીનો વિરોધ કર્યો છે.

હાર્દિક દ્વારા રજૂઆત કરાઈ છે કે, તેની સામે ચાર કેસો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ કેસોનું લિસ્ટીંગ ટૂંક સમયમાં થવાનું છે તેથી કેસોની ચર્ચા માટે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિબ્બલ સહિતના વકીલો સાથે મુલાકાત કરવી જરૂરી છે. આ કેસોની ચર્ચા માટે વકીલો સાથે રૂબરૂ મુલાકાત સિવાય કોઇ વિકલ્પ ન હોવાથી કોર્ટે જામીનની શરતોમાં ફેરફાર કરવો જોઇએ અને બાર અઠવાડિયા માટે જામીન આપવા જોઈએ. કોર્ટ દ્વારા 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં જામીનની શરતના ભાગરૃપે હાર્દિકને ગુજરાત બહાર જવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

આ અરજીમાં હાર્દિકે રજૂઆત કરી છે કે, તાજેતરમાં તેની નિમણૂક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસમાં હવે તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વિવિધ બેઠકોમાં ભાગ લેવા માટે દિલ્હી તેમજ ગુજરાત બહારના શહેરોમાં વારંવાર જવાનું થાય છે. જો કે જામીનની શરતોના કારણે તે રાજ્ય બહાર જઇ શકતો નથી.