અમદાવાદ-

સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના પહેલા વર્ષના વિદ્યાર્થીનો અભ્યાસ યથાવત રાખવા માટે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. લોકડાઉન દરમિયાન સુરતનો ક્રિશભ કપૂર નામનો વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનને કારણે તે સતત તણાવમાં રહેતો હતો અને આત્મહત્યા કરવાના તેને સતત વિચાર આવતાં હતા. આવી સ્થિતિને કારણે તે બી.ટેકની પ્રથમ વર્ષની પરીક્ષા આપી શક્યો નહતો. જોકે સપ્લિમેન્ટરી પરીક્ષા આપીને આ વિદ્યાર્તી ઉત્તીર્ણ થઇ ગયો હતો. તેમ છતાં પણ SVNIT દ્વારા આ વિદ્યાર્થીને આગળનો અભ્યાસ ન કરવા જણાવીને તેને પ્રવેશ આપ્યો ન હતો. તેમજ તેનું એડમિશન રદ કરી દેવાયું હતું. જ્યારે એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવી ત્યારે કોલેજ દ્વારા જણાવાયું હતુંકે તેઓ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે. જ્યારે વિદ્યાર્થી દ્વારા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે કોલેજ દ્વારા આ સર્ટિફિકેટને આધારે તેને માનસિક રીતે બિમાર જાહેર કરીને વધુ અભ્યાસ માટે પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે વિદ્યાર્થીના વાલીએ સંસ્થાના એડમિશન નહીં આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે દલીલોને આધારે પ્રવેશ રદ કરવાના સંસ્થાના નિર્ણયને રદ કરીને પંદર દિવસમાં તેનો અભ્યાસ શરૂ કરવા માટે આદેશ કર્યો હતો.