આણંદ : આણંદ જિલ્લામાં આજે છ જેટલાં સેન્ટરો ઉપર કોરોના વેક્સિન - કોવીશિલ્ડ રસી આપવાનો પ્રારંભ થયો હતો. પેટલાદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલાં સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં અનેક આપત્તિઓ આવી તેમાં આ એક અદ્દશ્ય આપત્તિ હતી, જેથી તેની સામે લડાઇ લડવી ખુબ જરૂરી અને અઘરી હતી. છતાં ગુજરાત અને સમગ્ર દેશ એક થઇને લડત આપી ત્રણ માસ લોકડાઉન પણ કર્યું હતું. મંત્રીએ કોરોના દર્દીઓની રાત-દિવસ સેવા કરનાર તબીબો અને સ્ટાફની સેવાની ભારોભાર સરાહના કરતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં વ્યવસ્થામાં રોકાયેલો સરકારી સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જનતાની સેવામાં કાર્યરત હતો. તેથી દર્દીની નજીક રહી સારવાર કરનાર સંજીવની એવી રસીકરણનો લાભ લેવા માટે આરોગ્યકર્મીઓ પહેલાં હક્કદાર છે. 

આણંદ જિલ્લાના પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના વેક્સિન રસીકરણના પ્રારંભ વેળાએ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રસી લેનાર પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એવાં પેરા મેડિકલ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલાં સંબોધનનું પ્રસારણ કરાયું હતું, જેને સૌએ નિહાળ્યું હતું.

પેટલાદ ખાતે આજે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલેક્ટર આર.જી. ગોહિલ અને અગ્રણીઓની હાજરીમાં કોરોના વોરિયર્સને રસીકરણનો પ્રથમ ડોઝ પેટલાદ સિવિલ સર્જન ડૉ. ગીરીશભાઇ કાપડિયાએ લીધો હતો.

પેટલાદ ખાતે યોજાયેલ સમારોહમાં પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા, પૂર્વમંત્રી સી.ડી.પટેલ, કલેક્ટર આર.જી.ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શાલિની ભાટિયા, પેટલાદના પ્રાંત અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટ, સિવિલ સર્જન પેટલાદ, મામલતદાર, રસી લેનાર આરોગ્ય વિભાગના લાભાર્થીઓ, ખાનગી ડૉક્ટર્સ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.