કચ્છ, કચ્છમાં માથાના દુઃખાવા સમાન ઓવારલોડ વાહનોના દુષણ વચ્ચે જખૌ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગોમાંથી આવતા ઓવરલોડ વાહનોને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ માર્ગ પર ઠેર-ઠેર મીઠાના ઢગલા પડ્યા છે તેમ છતાં આરટીઓ તંત્રએ ચૂપકિદી સેવી લીધી છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી નમકનું પરિવહન મુન્દ્રા અને કંડલા પોર્ટ ખાતે થાય છે. ઓવરલોડ મીઠુ ભરીને નીકળતી મસમોટી ટ્રકો અંદાજે ૧૩૦ કિ.મી.નું અંતર કાપીને મુન્દ્રા અને કંડલા પોર્ટ પહોંચે છે તેમ છતાં કોઈપણ જાતની તપાસ ન કરાતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આરટીઓ દ્વારા માર્ચ એન્ડિંગ સમયે મોટા ઉપાડે ઝુંબેશ આદરી હતી, જેના પગલે થોડાક સમય માટે ઓવરલોડનું દુષણ બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ ગયું છે. જાણકારોના મતે જાે અબડાસા તાલુકાના હાઇવે ઉપર આવેલા ચેક પોઈન્ટ ઉપર સીસીટીવી લગાડવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે. અબડાસા તાલુકામાં ખાસ કરીને જખૌથી લઇને કોઠારા, કનકપર પંથકમાં સિંચાઇ આધારીત ખેતી છે ત્યારે જખૌથી મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ તરફ જતા મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના પગલે રસ્તા પર નમક ઢોળાય છે. ખાસ કરીને જખૌ, લાલા, સિંધોડી, વાંકું, કોઠારા, નલિયા સહિતના ગામોના માર્ગ પરથી ઓવરલોડ વાહનોના કારણે રોડ ટચ ખેતી વિષયક જમીન બંજર બની જતી હોવાની રાવ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે.

વધુમાં એક સમયે રોડ ટચ જમીનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિ નજરે બંજર જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને જમીનના વેચાણ સમયે પણ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. ખાવડાથી કંડલા સુધી મીઠાના ઓવરલોડ વાહનોનું પરિવહન છેલ્લા દોઢ માસથી થઇ રહ્યું છે, જે અંગે સ્થાનિક આર.ટી.ઓ. તંત્ર દ્વારા ચેકપોઇન્ટ પર કડક પહેરો ગોઠવી દેવાયો તો ટ્રક-ટ્રેલરો ચોર રસ્તેથી પસાર થવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસી આગેવાનો દ્વારા જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. જાે કે હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર પાસે પહોંચ્યો છે. બે માસ પહેલા જિલ્લા આર.ટી.ઓ. તંત્રને કોંગ્રેસી નગરસેવક એમ. જે. પંખેરીયા અને પ્રતિનિધિ મંડળે મીઠાનું ઓવરલોડ પરીવહન બંધ કરાવવા રજૂઆત કરી હતી, જાે કોઇ નક્કર કાર્યવાહી નહી થાય તો જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. બે માસ સુધી આર.ટી.ઓ. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમના તરફથી કરાયો છે અને હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર સુધી પહોંચયો છે. લાખો રૂપિયાની સરકારી દંડની વસૂલાતને બદલે ઓવરલોડ પરીવહન પર મીઠી નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આર.ટી.ઓ. તંત્રને કરાયેલી રજૂઆત તેમજ ઇન્સ્પેકટરોને કરાયેલા ફોન અને ઓવરલોડ વાહનોની માહિતી અંગે આર.ટી.ઓ. કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરી મીઠાના પરીવહનને કારણે થતા અકસ્માતોને રોકવા રજૂઆત કરવામાં આવી હતી