અમદાવાદ-

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.