ગાંધીનગર-

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ચોમાસુ ફરીવાર સક્રિય થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના 38 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમા સૌથી વધુ બનાસકાંઠાના પાલનપુરમાં 72 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો છે. વરસાદ ખેચાતા ડેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તો કેટલાક ડેમમાં તો પાણીની સપાટી પણ ઘટી ગઈ છે. આના કારણે મોરબીવાસીઓ હવે સારા વરસાદની આશા રાખીને બેઠા છે. બીજી તરફ ડેમની સપાટી ઘટતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 57.74 ટકા થયો છે. ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.