સૌરાષ્ટ્રમાં શાંબેલાધાર વરસાદ,જામનગર તાલુકાનાં તમામ ડેમ ઓવરફલો,કાલાવડમાં 24 કલાકમાં 7 ઇંચ
13, સપ્ટેમ્બર 2021

જામનગર-

મોડે- મોડે પણ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જામી છે.જામનગર જિલ્લામાં ગઇ કાલથી ભારે વરસાદ પડી રહ્યો છે.જામનગરના કાલાવડમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા છે..આ સાથે જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થયા છે.અમુક જગ્યાએ ફસાયેલા લોકોને બચાવવા NDRF અને SDRFની ટીમ રવાના થઇ છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું.


ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution