અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
03, ઓગ્સ્ટ 2020

અમદાવાદ-

સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે.

રવિવારની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા.બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. રવિવારે દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે ઉકળાટ રહેતા શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્‌ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution