રાજકોટ-

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને ધોરાજીમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ઉપરવાસમાં અને ધોરાજીમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શફરા નદીનાં કાંઠે આવેલ પૌરાણિક પંચનાથ મહાદેવનાં મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતાં.

ઉપલેટા અને આસપાસના વિસ્તાર ખાખી જાળીયા, સંવત્રા, ભાયાવદર, પંથકમાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદને લઈને મોજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી ગઢાળા ગામનો કોઝવે 4 દિવસથી પાણીમાં જોવા મળ્યો છે. ખાખીજાળીયા, મોજીરા, કેરાળા, સેવંત્રા સહિતના ગામો સાથે ગઢાળાનો રસ્તો બંધ થયો હતો. જેમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું, તેમજ નદીના પટ્ટમાં કોઈએ અવરજવર નહિ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ધોરાજી અને ઉપલેટામાં સતત 4 દિવસથી ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આવેલ મંદિરમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમજ અનેક મોજ ડેમ અને વેણુ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.