જૂનાગઢના માણાવદરમાં અનરાધારઃ બે કલાકમાં 7 ઈંચ વરસાદ થતાં જળબંબાકાર
15, જુલાઈ 2021

માણાવદર-

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. તેવામાં જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું હતું. બે કલાકમાં જ સાત ઈંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અને ભડુલા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. વરસાદી વિરામ બાદ પાણી ઓસરવાના શરૂ થયા હતા.

માણાવદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર સાત ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થઈ છે. બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અને રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૦.૦૯ ટકા વરસાદ પડ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution