વડોદરા, તા.૧૧ 

શહેરમાં આજે દિવસ દરમિયાન આંશિક વાદળિયા માહોલ વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ થયા બાદ રાત્રે એક કલાક ધોધમાર વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જાે કે, દિવસના ઉકળાટ બાદ રાત્રે વરસાદ પછી ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. સામાન્ય વરસાદમાં અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટોછવાયો હળવાથી ભારે વરસાર થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. જાે કે, આજે દિવસ દરમિયાન આંશિક વાદળિયા માહોલ વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ થયો હતો પરંતુ ભેજના કારણે ઉકળાટથી લોકો પરેશાન થયા હતા.

પરંતુ રાત્રે પોણા આઠની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લગભગ એકાદ કલાક એકધારો વરસાદ વરસ્યા બાદ વરસાદનું જાેર ઘટયું હતું. પરંતુ અડધો ઈંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જ્યારે સામાન્ય વરસાદમાં જ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતાં ગરનાળું બંધ કરાતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં ઠેરઠેર પાણી ભરાવવા તેમજ ગરનાળું બંધ થઈ જવું જેના પરથી પાલિકાના તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી કેવી કરી છે તેની સ્પષ્ટતા થાય છે.