અમદાવાદ-

ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે ગુજરાતમાં વધુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 તારીખથી વરસાદી જોર વધશે, પરંતુ રેડ એલર્ટ સુધીની આગાહી જણાવી ન હતી, આજે આગાહીમાં ફેરફાર થયો છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ભારે વરસાદની સાથોસાથ ૪૦-૬૦ કીમી પ્રતિ કલાકે પવન પણ ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને પગલે દરિયા કિનારાના માછીમારોને દરિયો ન ખેડવાની જવાની સુચના આપવામાં આવી છે. સુરતમાં પણ મોડી રાતથી જ સતત વરસાદ વર્ષી રહ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ.